ઉત્તર ગુજરાતમાંથી ૧૨૩૫ શ્રમિકોને ટ્રેન મારફત ઉત્તરપ્રદેશ માદરે વતન મોકલાયા
રખેવાળ, પાલનપુર
કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં ‘શ્રમિક સ્પેશિયલ ટ્રેન’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી કુલ-૧૨૩૫ શ્રમિકોને પાલનપુર-આગ્રા સ્પેશ્યલ ટ્રેન મારફત ઉત્તરપ્રદેશ માદરે વતન મોકલવામાં આવ્યા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લામાં રોકાયેલા શ્રમિકો-૨૫૪, અરવલ્લી-૬૫૧, ગાંધીનગર-૧૨૮, મહેસાણા-૪૪ અને સાબરકાંઠામાંથી-૧૫૮ મળી કુલ-૧૨૩૫ શ્રમિકોને સ્પેશ્યલ ટ્રેન મારફત તેમના માદરે વતન મોકલવા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા અને મામલતદાર કમલ ચૌધરી તથા વિવિધ તાલુકાઓના મામલતદારઓની ઉપસ્થિતિમાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ મુજબ શ્રમિકોએ ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી હતી.
લોકડાઉનના અમલ બાદ વતન જવા ઇચ્છતાં ઉત્તર ગુજરાતના શ્રમિકો માટે પાલનપુર-આગ્રા સ્પેશ્યલ ટ્રેન મારફત પોતાના વતન ઉત્તરપ્રદેશ જવાની વ્યવસ્થા થતાં તેઓ ખુશખુશાલ જોવા મળ્યાં હતા. જિલ્લા વહીવટીતંત્ર અને રેલ્વે વિભાગ દ્વારા તેમની યાત્રા સુખરૂપ પૂર્ણ થાય તે પ્રકારે સામાજિક સંસ્થાઓના સહયોગથી ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.