કોરોના : ગુજરાતમાં ૪૫ દિવસમાં ૫ હજારથી વધુ કેસ, નવા ૩૩૫ પોઝિટિવ કેસ અને અમદાવાદના ૨૦ સહિત ૨૬ના મોત
રખેવાળ, ગાંધીનગર
રાજ્યમાં ૪૫ દિવસમાં જ ૫ હજારથી વધારે કેસોનો આંકડો પાર કર્યો છે. શનિવારે કોરોના પોઝિટિવના ૩૩૫ કેસો નોંધાયા હતા. જેમાં અત્યાર સુધી ગ્રીન ઝોન રહેલા દેવભૂમિ દ્વારકામાં બે પોઝિટિવ કેસ સામે આવતા આંકડો ૩૩૫ થયો છે જો કે રાજ્ય સરકારે આ આંકડાની સત્તાવાર જાહેરાત આજે કરશે. માત્રના કોરોનાના કારણે ૯ તેમજ કોરોના અને અન્ય બીમારીને પગલે ૧૭ દર્દીઓ મળી કુલ ૨૬ દર્દીના મોત નિપજ્યા હતા. તેમજ રાજ્યમાં ૧૬૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હોવાની માહિતી રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આપી હતી.
ગ્રીન ઝોન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજસ્થાનના અજમેરથી બેટ દ્વારકા આવેલા એક મહિલા અને પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લાવાર જોઈએ તો આજે અમદાવાદમાં ૨૫૦, ભાવનગર ૬, બોટાદ ૬, દાહોદ ૧, ગાંધીનગર ૧૮, ખેડા ૩, નવસારી ૨, પંચમહાલ ૧, પાટણ ૩, સુરત ૧૭, તાપી ૧, વડોદરા ૧૭, વલસાડ ૧, મહીસાગર ૬ અને છોટાઉદેપુરમાં ૧ નોઁધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી ૫૦૫૪ દર્દીઓ નોઁધાયા છે. તે પૈકી ૩૬ દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે ૩૮૬૦ દર્દીઓની હાલ સ્ટેબલ છે. ૮૯૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને ૨૬૨ દર્દીઓએ કોરોના સામેની જંગમાં જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ દર્દીએ, વડોદરામાં ૩, સુરતમાં ૨ અને આણંદમાં એક દર્દીનું મોત થયું છે.
અમદાવાદમાં આજે રવિવારે સવારે ૧૦ વાગે ૈંછહ્લવાળી હેલિકોપ્ટર સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ પર ફૂલ વર્ષા કરશે. સાથે સ્વાક બેન્ડ કેમ્પર્સમાં ધૂન રેલાવશે. ૧૧.૨૫ વાગે ફ્લાઈટ પ્લેન વિધાનસભા પરથી ફ્લાય પાસ્ટ કરશે. ૧૦.૫૫ વાગે હેલિકોપ્ટર ગાંધીનગર હોસ્પિટલ પર ફૂલવર્ષા કરશે.
શનિવારે સાંજે પાંચ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાંથી કુલ ૧૬૦ દર્દીઓએ કોરોના સામેના સંઘર્ષમાં જીત મેળવી છે. આવાં દર્દીઓમાં ૧૦૭ પુરુષો જ્યારે ૫૩ મહિલા દર્દીઓ છે. તેમાં અમદાવાદના ૬૩, વડોદરાના ૪૦, સૂરતના ૩૨, બનાસકાંઠાના ૧૦, અરવલ્લીના ૬, મહેસાણા અને પંચમહાલના ૨-૨ તથા આણંદ, ભરૂચ, ગાંધીનગર, નવસારી-સુરેન્દ્રનગરના એક-એક દર્દીનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોઝિટિવ કેસને રજા અપાતાં હાલ આ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે.
૨૫ એપ્રિલે ગુજરાતમાં કોરોના પોઝિટિવ હોય તેવાં લગભગ ૩૦૦૦ જેટલા કેસ હતા તેમાંથી ૨ મેએ આ આંકડો ૫૦૦૦થી વધુ થઇ ગયો છે. એટલે કે એક જ સપ્તાહમાં ૨૦૦૦ કેસ વધી ગયાં છે. જ્યારે ૨૩ એપ્રિલે રાજ્યમાં ૨,૬૨૪ કેસ નોંધાયેલાં હતાં તે શનિવારે એટલે કે નવ દિવસમાં બમણા થયાં છે. એટલે હાલ રાજ્યમાં કેસ ડબલિંગનો રેટ નવ દિવસનો છે