લોકડાઉન : ૩ મે પછી પણ કોરોના હોટસ્પોટમાં લોકડાઉન લંબાઈ શકે છે.
રખેવાળ, ગુજરાત
કોરોના મહાસંકટને નાથવા દેશભરમાં લાદવામાં આવેલ લોકડાઉનનો બીજો તબક્કો આગામી ૩ મેએ પૂર્ણ થઈ રહ્યો છે. એ પૂર્વે સોમવારે વડાપ્રધાને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આધારભૂત વિગતો મુજબ, એ બેઠકમાં વડાપ્રધાને મુખ્યમંત્રીઓને લોકડાઉન ખોલવાના વિવિધ તબક્કાઓ અંગે પ્લાન તૈયાર કરવા કહ્યું છે. રેડ, ઓરેન્જ, ગ્રીન ઝોનને વ્યાખ્યાયિત કરવા અને તબક્કાવાર ત્યાં જનજીવન યથાવત કરવા અંગે વડાપ્રધાને વિવિધ સૂચનો કર્યા હતા. જોકે ચાર રાજ્યોએ લોકડાઉનની અવધિ હજુ લંબાવવા આગ્રહ કર્યો હતો.
આધારભૂત વિગતો મુજબ, આ બેઠકમાં વડાપ્રધાને એવો સંકેત આપ્યો છે કે જ્યાં કોરોના સંકટની અસર વધુ ગંભીર છે ત્યાં લોકડાઉન લંબાવવામાં આવશે. જે રાજ્યોમાં સ્થિતિ કાબૂમાં છે ત્યાં જિલ્લાવાર છૂટ આપવામાં આવશે. આ સાથે વડાપ્રધાને આર્થિક સ્થિત વિશે ચિંતા ન કરવા માટે મુખ્યમંત્રીઓને આશ્વાસ્ત કર્યા હતા અને અર્થતંત્રની ચિંતા કર્યા વગર મહામારીને અનુલક્ષીને નિર્ણયો લેવા કહ્યું હતું.
આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજ્યમાં ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટના આંકડાઓ રજૂ કરીને રાજ્યની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. જ્યારે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવિન પટનાયકે લોકડાઉન લંબાવવા સંદર્ભે સુચનો કર્યા હતા.