ગુરૂ દક્ષિણા
એક જંગલમાં એક શિયાળને પહેલવાનીનો શોખ જાગ્યો. આ જંગલમાં એક હાથી પહેલવાન ગણાતો હતો. પરંતુ ઉંમર થવાથી તેણે જંગલમાં પ્રાણીઓને સ્વરક્ષણની તાલીમ આપતો હતો.
શિયાળે મોટી રકમ આપીને હાથીદાદા પાસેથી પહેલવાનીના બધા ગુણો શીખી લીધા. જયારે તાલીમ પુરી થઈ એટલે હાથી દાદાએ શિયાળને કહ્યું કે હવે તે પહેલવાનીના બધા જ દાવ પેચ શીખી લીધા છે. હવે તને આ જંગલમાં કોઈ જ હરાવી શકે તેમ નથી.
શિયાળ ત્યાંથી આનંદ થતો જંગલમાં ગયો એ મનમાં વિચારવા લાગ્યો કે હવે હું આ જંગલનો એક પહેલવાન બની ગયો છું મારે આ જંગલના તમામ પહેલવાન જાનવરોને હરાવવા છે. પછી તે જંગલના જે પહેલવાનો હતા એમાં રીછ-વરૂ- વાંદરા જેવા પહેલવાનો ને હરાવીને તે જંગલનો નામી પહેલવાન બની ગયો.
એક દિવસ રસ્તામાં શિયાળને એના ગુરૂ હાથીદાદા મળ્યા. શિયાળે એમને નમન કર્યા અને કહ્યું કે, ‘ ગુરૂજી હું સમય આયે તમને તમારી ગુરૂદક્ષિણા આપીશ. ’ એ દિવસ બાદ જયારે પણ કોઈ જાનવર મળે એટલે શિયાળ એને લલકારતો. કેટલાક જાનવરો એની સાથે લડી લેતા પણ શિયાળ પાસે હારીને માથું નમાવીને જતા રહેતા જયારે જાનવરો એના માર્ગમાં આવતાં જ નહોતા.
આ રીતે શિયાળે જંગલમાં પોતાની પહેલવાનીની ધાક જમાવી દીધી હતી. ચારે બાજુ જંગલમાં એની પહેલવાનીના ગુણગાન ગવાતા હતા.
એક દિવસ એક કૂતરો શિયાળના માર્ગમાં આવ્યો. કૂતરાએ શિયાળના વખાણ કરતા કહ્યું, વાહ પહેલવાનજી! આ જંગલમાં હવે તમને કોઈ જ હરાવનાર નથી.
શિયાળ ગર્વથી બોલ્યું, કોઈનામાં એટલી હિંમત નથી કે મારો મુકાબલો કરી શકે, મને હરાવી શકે. આ સમયે નજીક આવેલા ઝાડ પર ખિસકોલી બેઠી હતી. તે ખી.. ખી.. હસવા લાગી અને બોલી પહેલવાનજી! લાગે છે કે શેરને કોઈ સવા શેર મળ્યો નથી. શિયાળને એની શકિત પર ઘમંડ હતો. એટલે તે ખિસકોલીનો ઈશારો ના સમજી શકયું ખિસકોલી તો ખી..ખી.. હસતી ઝાડીઓમાં છુપાઈ ગઈ. આજુબાજુ ઉભા રહેલા જાનવરો પણ હસવા લાગ્યા.
હવે શિયાળને ગુસ્સો ચડયો તેણે ખિસકોલીને શોધવા માંડી અને મનમાં વિચાર્યું કે જાે તે હાથમાં આવે તો એને મજા ચખાડું.
શિયાળ સવારથી ખિસકોલીની શોધમાં આમતેમ દોડવા લાગ્યો. તે ભૂખ્યો અને તરસ્યો હતો. અંતે એક ઝાડની નીચે આવીને ઉભો રહ્યો તે અત્યંત થાકી ગયેલ ત્યાંજ કયાંકથી પેલી ખિસકોલીએ શિયાળ પર
હુમલો કરી દીધો. અચાનક હુમલાથી શિયાળ ગભરાઈ ગયું. ખિસકોલીએ શિયાળના શરીર પર અનેક સ્થાનો પર તીક્ષ્ણ દાંત વડે બચકાં ભરી દીધા. શિયાળના શરીરમાંથી લોહી નીકળતું હતું. પછી ખિસકોલીએ પોતાના આગળના બે પંજા દ્વારા શિયાળનું ગળુ દબાવી દીધું અને શિયાળને જમીન પર પછાડી દીધું.
આ દશ્ય અનેક જાનવરો ઉપરાંત હાથીદાદા પણ જાેઈ રહ્યાં હતા. ખિસકોલીએ શિયાળને પોતાના પંજામાંથી મુકત કર્યું અને તે થોડે દુર જઈને ઉભી રહી.
શિયાળે દૂર ઉભેલા હાથીદાદાને પુછયુ, ‘ગુરૂજી તમે મને બધા જ દાવપેચ શિખવાડયા છતાંય હું કેમ પરાસ્ત થયો. ’
હાથીદાદાએ કહ્યું, શિષ્ય ! તારામાં ઘમંડ આવી ગયો હતો. તું અભિમાનથી ફુલાઈ ગયો હતો અને જંગલના જાનવરોને તારાથી તુચ્છ ગણવા લાગ્યો હતો. તું દરેક જાનવરને તારી શકિતનું પ્રદર્શન દર્શાવીને ડરાવતો હતો. પરંતુ કયારેક એક નાનો જીવ પણ મોટા જીવ પર ભારે પડે છે. ખિસકોલીએ તને આખો દિવસ દોડાવીને થકવી નાખ્યો ત્યારબાદ તેણે તારી પર હુમલો કરીને તને હરાવી દીધો. માટે જીવનમાં એક વાત યાદ રાખવાની કે કોઈ પણ જીવ સાથે હકુમત કરવાની ઈચ્છા રાખશો તો તમારૂં પતન નિશ્ચિત છે.શિયાળે ખિસકોલીની માફી માંગી અને હવે આગળના સમયમાં તે કયારેય પોતાની પહેલવાનીનું અભિમાન કરીને જંગલના પ્રાણીઓને હેરાન નહીં કરે.હાથીદાદાએ કહ્યું, ‘‘ શિષ્ય ! મને મારી ગુરૂદક્ષિણા મળી ગઈ. તારામા આવેલ પરિવર્તન એજ મારી ગુરૂદક્ષિણા છે.’’