તોઉ-તે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

બનાસકાંઠા
બનાસકાંઠા

તોઉ-તે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. તોઉ-તે વાવાઝોડાના કારણે જિલ્લામાં જાનમાલને નુકસાન ન થાય તે માટે કલેક્ટર પાલનપુર મુકામે અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી.

પ્રાથમિક શાળામાં આશ્રયસ્થાનો ઉભા કરવામાં આવશે

જિલ્લા કલેક્ટર આનંદ પટેલે તમામ નગરપાલિકા વિસ્તારમાં લગાવવામાં આવેલા હોર્ડીંગ્સ 24 કલાકમાં ઉતારી લેવા તથા યુ.જી.વી.સી.એસ.ની લાઇન નજીકના ઝાડ કટીંગ કરી લેવા જણાવ્યું છે. જેથી વીજ પુરવઠાને થતું નુકશાન અટકાવી શકાય. કલેકટરએ વાવાઝોડાની પરિસ્થિતિના સામના માટે જિલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા તથા પોતાના વિસ્તારમાં અધિકારીઓ હાજર રહી એલર્ટ રહે અને સર્વે માટેની ટીમો તૈયાર રાખવા સહિતનું આયોજન કરવા જણાવ્યું હતું. પીવાના પાણી માટેની ટાંકી- સંપ ભરી રાખવા તથા પ્રાથમિક શાળામાં આશ્રયસ્થાનો ઉભા કરવાની જરૂરીયાત જણાય તો સ્થાનિક અધિકારીઓ પાસે શાળાની ચાવી હાથવગી હોવી જોઇએ.

હોસ્પિટલોમાં પાવર બેક-અપની વ્યવસ્થા કરી રાખવી જરૂરી

બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિની અટકાવી શકાતી નથી. પરંતુ પુરતી તૈયારી સાથે કરવામાં આવેલા આગોતરા આયોજનથી તેની અસરને ચોક્કસ ઓછી કરી શકાય છે. વાવાઝોડામાં વીજ પુરવઠો ખોરવાય તો કોવિડની પરિસ્થિતિમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓ માટે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પાવર બેક-અપની વ્યવસ્થા કરી રાખવી જરૂરી છે. હોસ્પિટલોમાં ખાલી થયેલા ઓક્સિજનના તમામ સિલિન્ડરોને ભરાવી રાખવા તેમણે સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.