શક્કરટેટી-તડબૂચનું ઉત્પાદન કરતાં ખેડૂતોની વ્હારે આવી ડીસા માર્કેટયાર્ડ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા પંથકમાં શક્કરટેટી અને તરબૂચનો પાક તૈયાર થઇ ગયો છે પરંતુ લોકડાઉનના લીધે ખેડૂતોનો માલ બગડી રહ્યો છે. આથી ડીસા માર્કેટયાર્ડ નવ જેટલા કોલ્ડ સ્ટોરેજ પર શક્કરટેટી અને તરબુચની લે-વેચની વ્યવસ્થા ઊભી કરી ખેડૂતોની વહારે આવી છે.
બટાકા નગરી ડીસા પંથકના ખેડૂતો બટાકા પછી શક્કરટેટી અને તડબૂચનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે. ચાલુ વર્ષે ડીસા તાલુકામાં ૧૪૦૦ હેકટર જમીનમાં તડબુચના વાવેતરની સામે અંદાજે ૫૬ હજાર ટન ઉત્પાદન થશે. જ્યારે ૫૫૦૦ હેક્ટર જમીનમાં શક્કરટેટીના વાવેતર ની સામે ૨ લાખ ૨૦ હજાર ટન જેટલું ઉત્પાદન થનાર છે. દર વર્ષે શક્કરટેટી અને તડબૂચના ૩૦ ટકા રાજસ્થાન, ૨૦ ટકા જમ્મુ કાશ્મીર, ૫ ટકા દિલ્હી, ૫ ટકા મધ્યપ્રદેશ, ૫ ટકા પંજાબ, ૨૦ ટકા મહારાષ્ટ્ર અને ૧૫ ટકા માલની ગુજરાતમાં નીકાસ થાય છે.   
ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ અને સંચાલક મંડળનો ખેડૂતલક્ષી અભિગમ અને ખેડૂતોના હિતનો વિચાર કરી ડીસા આસપાસના નવ જેટલા કોલ્ડ સ્ટોરેજ પર સોમવારથી શક્કરટેટી અને તરબુચની વેચાણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જયારે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી માલની ખરીદ-વેચાણ માટે આવતા ખેડૂતો, વેપારીઓ અને કમિશન એજન્ટોને લોકડાઉન દરમ્યાન કોઇ જ પ્રકારની મુશ્કેલી ન વેઠવી પડે તે માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫ થી શાકભાજી અને ફળફળાદી પર થી બજાર સમિતિઓનું નિયંત્રણ હટાવી લેવામાં આવ્યું છે પરંતુ લોકડાઉન દરમ્યાન શક્કરટેટી અને તરબૂચ પકવતા ખેડૂતોની હાલત કફોડી થતાં ખેડૂતોના હિતમાં બજાર સમિતિ ડીસા દ્વારા સંપૂર્ણ પારદર્શક અને સ્વસંચાલિત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.