નવા ૯૨ કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી ૧૦૩૨ થયા, અમદાવાદમાં ૪૫ અને સુરતમાં ૧૪ કેસ વધ્યાઃ જયંતિ રવિ
ગાંધીનગર : રાજ્યમાં નવા ૯૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૦૩૨ થઇ છે. નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસ અમદાવામાં ૪૫, સુરતમાં ૧૪, વડોદરામાં ૯, ભરૂચમાં ૮ કેસ નોંધાયા છે. તેમજ ૨ દર્દીના મોત નીપજ્યાં છે. ૯૦૧ દર્દી સ્ટેબલ છે અને ૮ દર્દી વેન્ટિલેટર પર છે. ૨૪ કલાકમાં ૧૬૦૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫૦ પોઝિટિવ આવ્યા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી મહિલા સિક્યુરિટી ગાર્ડ અને ૧૬ વર્ષના એક કિશોરનો પણ સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં કુલ ૧૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. મહિસાગર જિલ્લાના વીરપુરમાં સાઉદી અરબથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહિસાગર જિલ્લાનો આ પ્રથમ પોઝિટિવ કેસ હોવાથી તંત્રમાં દોડધામ મચી છે. ૨૮ ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે,તમામની સારવાર થઈ રહી છે.