UP-પંજાબ-દિલ્હીમાં વેક્સિનની અછત, કેજરીવાલે કહ્યું- રાજધાનીમાં નવા પ્રતિબંધો નહીં લાગે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન બાદ હવે ઉત્તર પ્રદેશ, પંજાબ અને દિલ્હીમાં પણ વેક્સિનની અછત સર્જાઈ રહી છે. UPના કેટલાક જિલ્લાઓમાં વેક્સિનની અછત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આવી પરિસ્થિતિ સર્જાતા પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જો અત્યારે જે ગતિએ વેક્સિનેશન હાથ ધરાયું છે, એમજ ચાલીશું તો માત્ર 5 દિવસમાં ડોઝ ખતમ થઈ જશે. અગર અમે ટાર્ગેટના આધારે ડોઝ લગાવતા રહ્યા તો માત્ર 2 દિવસમાં ડોઝ ખતમ થઈ જશે.

વેક્સિનની તકલીફો વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ઘોષણા કરી હતી કે રાજ્યમાં હવે કોઈપણ પ્રકારના પ્રતિબંધો કે લોકડાઉન લાદવામાં નહીં આવે. તેઓએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પાસે વેક્સિનના ડોઝના વધુ સપ્લાય અંગે પણ વાત કરી હતી. કેજરીવાલના જણાવ્યા પ્રમાણે હવે તેઓની પાસે માત્ર 7થી 10 દિવસ ચાલે એટલા જ વેક્સિનના ડોઝ બાકી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, અત્યારસુધી 9 કરોડ 78 લાખ 71 હજાર વેક્સિનના ડોઝ લગાવાઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 32.16 લાખ લોકોને વેક્સિનના ડોઝ અપાયા હતા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સર્વપક્ષીય બેઠક (ઓલ પાર્ટી મીટિંગ) બોલાવી છે. આ બેઠકમાં તેઓ કોરોના વિરૂદ્ધની લડાઈ અંગે સરકારની તૈયારીઓની જાણકારી આપશે. જેમાં વિપક્ષના નેતાઓના સૂચનોને પણ સાંભળશે.

કોંગ્રેસની કાર્યવાહક અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મીટિંગનું આયોજન કર્યું છે. જેમાં તેઓએ કોરોનાની પરિસ્થિતિ અને વેક્સિનેશન અંગે ચર્ચા કરી હતી. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ નીવડી છે. એટલું જ નહીં તેઓએ વેક્સિનની અછતની પરિસ્થિતિના નિર્માણ માટે પણ મોદી સરકારને જવાબદાર ઠેરવી હતી. બેઠકમાં વેક્સિનના નિકાસને કારણે દેશમાં અછતની પરિસ્થિતિ સર્જાઈ હોવાની વાત ઉચ્ચારી હતી.

દેશમાં કોરોનાના કારણે સતત પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1 લાખ 44 હજાર 829 કેસ નોંધાયા છે. ગયા વર્ષે વાયરસનું સંક્રમણ શરૂ થયા પછીથી અત્યારસુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા આ દર્દીની સંખ્યા સૌથી વધુ છે. આ પહેલાં ગુરુવારે 1.31 લાખ કેસ નોંધાયા હતા.

એક્ટિવ કેસ એટલે કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તેમની સંખ્યા પણ ખૂબ વધી છે. શુક્રવારે દેશભરમાં 77 હજાર 199 લોકો સાજા થયા હતા, જ્યારે 773 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. એવી રીતે એક્ટિવ કેસમાં 66 હજાર 760નો વધારો થયો છે. દેશમાં હવે 10 લાખ 40 હજાર 993 દર્દી સારવાર લઈ રહ્યા છે. આ આંકડો કોરોનાના પાછલા તબક્કાની પીક કરતાં ઘણા વધારે પહોંચ્યો છે. ગત વર્ષે 17 સપ્ટેમ્બર સંક્રમણનો પીક દિવસ હતો. આ દિવસે દેશમાં સૌથી વધુ 10.17 લાખ એક્ટિવ કેસ હતા. ત્યાર બાદ આ આંકડા ઘટવા લાગ્યા હતા, પરંતુ હવે ફરીથી પરિસ્થિતિ ભયજનક બની રહી છે.

રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક જ દિવસમાં એ 91.76%થી ઘટીને 90.8% થઈ ગયો. છેલ્લાં ત્રણ અઠવાડિયામાં એમાં આશરે 8%નો ઘટાડો નોંધાયો છે. છટ્ટીસગઢમાં સૌથી નીચો 80.5% અને મહારાષ્ટ્રમાં 82% દર્દીઓ સ્વસ્થ થયા છે. અહીં એક્ટિવ રેટ ખૂબ વધુ છે. છત્તીસગઢમાં હાલમાં 18.4% છે અને મહારાષ્ટ્ર 16.3% એક્ટિવ રેટ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ બન્યા છે. તેમને નાગપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા સોમવારે ભાગવત હરિદ્વાર ગયા હતા, જ્યાં તેમણે કુંભમેળામાં ભાગ લીધો હતો. તેમણે ગંગામાં ડૂબકી પણ લગાવી હતી.

દેશમાં અત્યારસુધીમાં 1 કરોડ 32 લાખ 2 હજારથી વધુ લોકોને આ સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 1 કરોડ 19 લાખ 87 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 1 લાખ 68 હજાર 467 દર્દી મૃત્યુ પામ્યા છે. 10 લાખ 40 હજાર 993 દર્દી સારવાર લઈ રહ્યા છે. અત્યારસુધીમાં 9 કરોડ 50 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.