પાટણમાં ગંજબજારનું 1.77 કરોડનું કૌભાંડ, 15 સભ્યો સામે અધિકારીએ ગુનો નોંધાવ્યો

પાટણ
પાટણ

પાટણ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વહીવટનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ઓડીટ દરમ્યાન સરેરાશ પોણા 2 કરોડનું કૌભાંડ થયુ હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગંજબજારના સભ્યોએ સત્તાનો દુરૂપયોગ કરી વિવિધ ખરીદીમાં, વિમા સહાયમાં, ભોજનબીલમાં મનસ્વી નિર્ણયો લઇ ગેરરીતિ આચરી હોવાનુ સામે આવ્યુ છે. ઓડીટ બાદ બજાર સમિતિના નિયામકે કરેલ હુકમ મુજબ પાટણ જીલ્લા રજીસ્ટ્રાર આદેશ કરતાં ફરીયાદ દાખલ થઇ છે. જીલ્લા રજીસ્ટ્રાર કચેરીના સહકારી અધિકારીએ ગંજબજારના ચેરમેન સહિત 14 ચૂંટાયેલા સભ્યો અને 1 નોમિનેટ સભ્ય મળી કુલ 15 સામે ગુનો દાખલ કરાવ્યો છે.

ઉત્તર ગુજરાતમાં વધુ એક બજાર સમિતિનું સૌથી મોટું કૌભાંડ સામે આવતાં સહકારી આલમમાં હડકંપ મચી ગયો છે. પાટણ જીલ્લા રજીસ્ટ્રાર કચેરીના અધિકારી રમેશ પરમારે પાટણ તાલુકા ગંજબજારના 14 ચૂંટાયેલા ડીરેક્ટરો અને 1 નોમિનેટ સભ્ય મળી કુલ 15 વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેમાં બજાર સમિતિનું 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2019 સુધીનું ઓડીટ કરતાં કુલ 11 મુદ્દામાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો રીપોર્ટ સામે આવ્યો હતો. જેમાં ઠરાવ બુકની વિગતોમાં અનિયમિતતા, નિયામકની સુચનાનું ઉલ્લંઘન, મનસ્વિ નિર્ણય કરી વકીલમાં ફીમાં 22 લાખની ચુકવણી, તાડપત્રી ખરીદીમાં 46 લાખનું કૌભાંડ, સંસ્થાની ગાડીનો દુરૂપયોગ, સ્ટેશનરી ખરીદીમાં ગેરરીતિ અને ખેડૂત વિમા પોલીસીમાં પણ ગંજબજારને નુકશાન કર્યાનું ફરીયાદમાં લખાવ્યુ છે.

CCTV ખરીદીમાં ગેરરીતિ અને ભોજનબીલમાં ઠરાવ કર્યા સિવાય 13 લાખથી વધુનો ખર્ચ કરી APMCને નાણાંકીય નુકશાન કર્યાનું તપાસમાં સામે આવ્યુ છે. આ સાથે બાંધકામ, ઇલેક્ટ્રીક સહિતના કામે ટેન્ડરમાં અનિયમિતતા દાખવી 93 લાખની નાણાંકીય ગેરરીતિનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલે ઓડીટ બાદ ખેતબજારના નિયામકને અહેવાલ રજુ થયો હતો. જેમાં ગંજબજારના ડીરેક્ટરો વિરૂધ્ધ એપીએમસી એક્ટ 1963ની કલમ 42 મુજબ ફરીયાદ દાખલ કરવાનો હુકમ થયો છે.

જેના આધારે સહકારી અધિકારી રમેશ પરમારે ગંજબજારના 14 ચૂંટાયેલા સભ્યો અને 1 નોમિનેટ સભ્ય મળી કુલ 15 સભ્યો વિરૂધ્ધ વર્ષ 2018-19 દરમ્યાન કુલ રૂ.1.77 કરોડનું નાણાંકીય નુકશાન કર્યાની ફરીયાદ નોંધાવી છે. આથી B ડીવીઝન પોલીસે આઇપીસી કલમ 406, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓડીટમાં તપાસ દરમ્યાન વિવિધ મુદ્દાઓમાં નાણાંકીય નુકશાનનું ખુલ્યું

1. સાધારણ સભા ઠરાવબુકમાં ઠરાવ નંબર 13, 27(4), 24(5), 24(7), 27(9) ની વિગતોમાં અનિયમિતતા છે.

2. બજાર સમિતિ પાટણ ” વર્ગવાળા લાઇસન્સદારોની યાદી રજુ કરેલ જેમાં નિયામકના પરિપત્ર માર્ગદર્શક સુચનાનું પાલન થયેલ જણાતુ નથી અને કેટલાક લાઇસન્સ પેન્ડિંગ રાખવામાં આવેલ છે. તેમજ અરજી પત્રક મુજબ અનુ નં.22, 23, 24, 25, 26, 27 ના વેપારીઓને કોઇ નોટીસ વગર લાયસન્સ અરજી પેન્ડીંગ રાખેલ છે. અને નિર્ણય કરવામાં સત્તાનો દુરૂપયોગ કરેલ છે.

3. બજાર સમિતિના તત્કાલિન હોદ્દેદારો દ્રારા મનસ્વીપણે નિર્ણય કરી બજાર સમિતિ ફંડના વિવિધ કેસમાં રૂ.22,00,000 વકીલ ફી તરીકે ચુકવી નાણાંનો દુરૂપયોગ કરેલ છે.

4. તા. 23/06/2018ના રોજની સાધારણ સભાના ઠરાવ નં.27 કરીને બજાર વિસ્તારના ખેડૂતોને રાહત દરે તાડપત્રી આપવા માટેની જાહેર નિવિદા આપી ભાવ-પત્રક મંગાવવા ઠરાવ કરેલ હતો. અને વર્તમાનપત્રમાં 5000 નંગ તાડપત્રી ખરીદી કરવા માટે જાહેરાત આપેલ હતી. પરંતુ કેટલી તાડપત્રીની જરૂરીયાત હતી તે બાબતે કોઇ સર્વે કરવામાં આવેલ ન હતો. તેમજ મોટી રકમની ખરીદી બાબતે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના કલમ 33(11)(એ) મુજબ કોઇ પૂર્વ મંજૂરી મેળવેલ નથી. તેમજબ પ્રિ-સર્વે ન કરેલ હોવાથી હાલમાં 1861 નંગ જેટલો સ્ટોક વણવેચાયેલ પડી રહેલ છે. સંસ્થાને આર્થિક નુકશાન કરેલ છે. તેમજ ટેન્ડર પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવેલ નથી. બજાર સમિતિ દ્રારા કુશલ પોલિમર્સ, અમદાવાદને નાણાં ચુકવણીની પ્રોસીજર શંકાસ્પદ જણાઇ આવે છે. આમ, તત્કાલિન કાર્યવાહકોએ બજર ફંડનો કોઇપણ જાતની કાયદેસરની મંજૂરી મેળવ્યા સિવાય મનસ્વીપણે સત્તાનો દુરપયોગ કરી બજારધારાની કલમ ૨૩, ૨૬ ની જોગવાઇ મુજબ મુકરર કરવામાં આવેલ ફરજો બજાવવામાં કસુર કરેલ હોવાનુ જ થાય છે. આમ બજાર સમિતીના ફંડનો રૂ..૪૬,૩૩,૧૦૦ (છેતાલીસ લાખ તેત્રીસ હજાર એકસો)નું નાણાકીય નુકશાન કરેલ છે

5. સંસ્થાની ગાડી GJ24AF0723ની લોગબુક જોતાં તા.23/06/2019ના રોજ ગાડીનો દુરૂપયોગ થયેલ હોવાનું સ્પષ્ટ થયેલ છે.

6. વર્ષ 2018/19 દરમ્યાન ઓફિસ ડાયરી છપાવવા તેમજ સ્ટેશનરી ખરીદી પ્રિન્ટિંગ ખર્ચ કરતી વખતે ભાવપત્રક મેળવી ખર્ચ કરવાની પ્રોસીજરનું પાલન કરેલ નથી. અને સત્તાનો સત્તાનો દુરૂપયોગ કરી મનસ્વીપણે નિર્ણય કરી ખર્ચ કરવામાં આવેલ છે. જેમાં બજાર સમિતીના ફંડ નુ રૂ.1,29,258નું નાણાંકીય નુકશાન કરેલ છે.

7. વિવિધ ઠરાવો દ્રારા માર્કેટ કમિટિ ફંડમાંથી ખેડૂત વિમા એક્સિડન્ટ પોલીસી લેવામાં આવેલ હતી. અને કમિટીએ નિયમ મુજબ પૂર્વ મંજુરી મેળવ્યા સિવાય સહાય ચુકવવામાં મનસ્વીપણે નિર્ણય લઇ સંસ્થાને આર્થિક નુકશાન પહોચાડેલ છે. જેમાં બજાર સમિતીના ફંડનુ રૂ.1,00,000નું નાણાકીય નુકશાન કરેલ છે.

8. તા.14/04/2018ના ઠરાવ નંબર 27/7 થી CCTV કેમેરા અને ખર્ચ રૂપે કુલ રૂપિયા 2,88,801 ઉધારેલ છે. જેના માટે કોઇ પ્રિ-સર્વે કરવામાં આવેલ નથી. અને સમિતિએ મનસ્વીપણે નિર્ણય કરેલ છે.

9. વર્ષ 2017/18ની સરખામણીએ વર્ષ 2018/19ની સરખામણીએ ભોજનાલયમાં રૂ.13,49,208નું નુકશાન કરેલ છે. જે બાબતે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મીટીંગમાં ઠરાવ કર્યા સિવાય ખર્ચ કરી મનસ્વીપણે નિર્ણય કરી સંસ્થાને આર્થિક નુકશાન પહોંચાડેલ છે.

10. બજાર સમિતિ પાટણમાં કેન્ટિન બાંધકામ અને તેમાં કિચન ઇક્વિપમેન્ટ, ઇલેક્ટિ ફિકેશનનું કામકાજ અને કન્સલ્ટન્સી, વોટર ડ્રેનેજ તેમજ સેનેટરીના કામકાજ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં તા.16/02/2018ના રોજની સાધારણ સભાના ઠરાવ નંબર-24 પાર્કિંગ શેડ, કેન્ટિન બિલ્ડિંગ, રિનોવેશન તથા બાંધકામની ટેન્ડર પ્રક્રિયાનું યોગ્ય પાલન કરવામાં આવેલ નથી અને ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા જણાયેલ છે. તેમજ લે-આઉટ પ્લાનમાં પાર્કિંગ માટેની જગ્યા ઉપ૨ ગેરકાયદેસર બાંધકામ કરતા પહેલાં સ્થાનિક સત્તા મંડળની કોઇપણ જાતની મંજૂરી મેળવ્યા સિવાય કે NA પ્લાન રીવાઇઝ કર્યા સિવાય બાંધકામ કરવામાં આવેલ છે. અને સદર બિલ્ડિંગ બનાવવા સંસ્થાના પેનલ એન્જિનિયર, મનસુખ.એન.પટેલનુ કોઇપણ જાતનું ધ્યાન દોરવામાં આવેલ નથી. આ રીતે, આખી પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવે લ નથી. અને જેમાં બજાર સમિતીના ફંડનુ રૂ.93,09,257નું નાણાકીય નુકશાન કરેલ છે.

11. તા.02/12/2012ની સામાન્ય સભાના ઠરાવ નંબર 8 થી નિયામકના ટ્રાન્સફર ફી લેવા બાબતનો પરિપત્રનું ઉલંધન કરી અલગ-અલગ મિલકતમાં ટ્રાન્સફર ફીમાં વધારો કરેલ છે. જે નિયામકના પરિપત્રોથી ” તથા જાર સમિતિઓ માટે લધુતમ ટ્રાન્સફર ફી માટેની જોગવાઇ કરેલ છે તેનું પાલન કરવામાં આવેલ નથી. આ સાથે ટ્રાન્સફર ફી ના દરોમાં વધારો કરી ગેરકાયદેસર રીતે વેપારીઓ પાસેથી વારસાઇ કરાવવાની પણ રૂપિયા વસુલ કરેલ છે આમ, સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્રારા મનસ્વી રીતે નિર્ણય કરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.