![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/03/Deesa-Rural-Police-696x492-1.jpg)
ડીસામાં બેફામ બાઇક ચલાવી રીક્ષાને ટક્કર મારી, 2 ઇજાગ્રસ્તોમાં યુવકનું મોત
ડીસા પંથકમાં ગત દિવસોએ માર્ગ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલાં 2 વ્યક્તિમાંથી એકનું મોત થયુ છે. ગત રવિવારે ડીસાથી પ્રસાદી લઇ ઘરે જઇ રહેલાં બે યુવકોને અકસ્માત નડ્યો હતો. જેમાં બાઇક ચાલક યુવકે ગફલતભરી રીતે બાઇક ચલાવી આગળ જતી રીક્ષાને ટક્કર મારતાં બાઇક સવાર અને અન્ય યુવક ઇજાગ્રસ્ત બન્યો હતો. જેથી બંનેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા બાદ એકને ગંભીર ઇજાઓ હોઇ મહેસાણા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે સોમવારે સારવાર દરમ્યાન ઇજાગ્રસ્ત યુવકનું પણ મોત થતાં પરિવારજને આ મામલે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાના નાની ભાખર કેનાલની પાસે રહેતાં યુવકોને અકસ્માત નડ્યો છે ગત તા.14 માર્ચના રોજ કુમારસિંહ સિધ્ધરાજસિંહ ડાભી અને હનુમાનસીંહ મથુરસિંહ વાઘેલા બાઇક પર ડીસાથી પ્રસાદી લઇ નાની ભાખર આવી રહ્યા હતા. આ દરમ્યાન કાંટ ગામના બસ સ્ટેન્ડ પાસે બપોરના સમયે આગળ જતી રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. કુમારસિંહે ગફલતભરી રીતે બાઇક હંકારી રીક્ષાને ટક્કર મારતાં બંને ફંગોળાતાં પોતાને સામાન્ય અને હનુમાનસિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતને લઇ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા ડો.તપન ગાંધીના દવાખાને ખસેડાયા હતા. જોકે હનુમાનસિંહને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હોઇ મહેસાણા દિપ આઇસીયુ ખાત રીફર કરવામાં આવ્યા હતા. જોકે 15 માર્ચ સોમવારે સવારે તેમનું સારવાર દરમ્યાન મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ તરફ મૃતકના પરિવારજને કુમારસિંહ સિધ્ધરાજસિંહ ડાભી સામે ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમ સામે આઇપીસી 279, 337, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.