ગુજરાતથી રાજસ્થાન તરફ જતા પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કરાયો
રખેવાળ ન્યુઝ અરવલ્લી : સમગ્ર ગુજરાતમાં ધીમી ગતિએ ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના સંક્રમણના કેસ ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે મળતી માહિતી મુજબ કોરોનાના વધતા સંક્રમણના કારણે રાજસ્થાન સરકારનો મોટો ર્નિણય સામે આવ્યો છે. ગુજરાતથી રાજસ્થાન જતા પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કરાયાં છે. ૭૨ કલાક અગાઉનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ હોય તો જ રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ શક્ય છે. આરટી-પીસીઆરના રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવાસીઓને પ્રવેશવા નહીં મળે તેવું સૂત્રોથી જાણવા મળી રહ્યું છે. તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તકેદારીના ભાગરૂપે તપાસ શરૂ કરી દેવામાં આવશે. રાજસ્થાન સરકારના ર્નિણયથી પ્રવાસીઓમાં મૂંઝવણ જાેવા મળી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા તથા મધ્ય પ્રદેશ રાજ્યના પ્રવાસીઓ માટે ર્નિણય લેવાયો છે. જેને લઇ ગુજરાતથી રાજસ્થાન જતા પ્રવાસીઓ માટે મુશ્કેલીઓ વધી છે. ગુજરાત અને રાજસ્થાનની જાેડતી સરહદ રતનપુર બોર્ડરથી ખેરવાડા પાસે આરટી-પીસીઆર રિપોર્ટની તપાસ કરવામાં આવશે. આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ અને કોરોના વેક્સિન રિપોર્ટ બતાવવાથી પ્રવેશ શક્ય રહેશે રાજસ્થાન આરોગ્ય વિભાગ દ્વારા ચેકપોસ્ટ બનાવી તપાસ કરવામાં આવશે વેક્સિન અને આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ નહી હોય તો પ્રવાસીઓએ ગુજરાત પરત આવવું પડશે.