![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/02/IMG-20210218-WA0056.jpg)
ધાનેરા રેલવે સ્ટેશને ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
કિસાન આંદોલનનું સમર્થન કરતા ખેડૂત આગેવાનોની ધરપકડ
દેશભરના ખેડૂતો હાલ વિવાદિત ત્રણ કૃષિ કાયદાને લઇ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં ગુરુવારે અપાયેલા રેલ રોકો આંદોલનને લઇ રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્રારા ધાનેરા રેલ્વે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જોકે રેલ્વે પોલીસ દ્રારા અનેક ખેડૂત આગેવાનો સહિતનાની અટકાયત કરી નજરકેદ કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જીલ્લાના ધાનેરા રેલ્વે સ્ટેશન ખાતે રાષ્ટ્રિય કિસાન સંગઠન દ્રારા રેલ રોકો આંદોલનને સમર્થન આપવામાં આવ્યુ હતુ. જ્યાં રાષ્ટ્રિય કિસાન સંગઠનના પ્રદેશ ઉપાધ્યક્ષ કાળુભાઇ તરક અને જીલ્લા પ્રમુખ વી. કે. કાગની આગેવાની હેઠળ ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે રેલ્વે પોલીસ દ્રારા તમામ ખેડૂતોને અટકાવી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. આ તરફ ખેડૂતોએ ત્રણ વિવાદિત કૃષિ કાનૂન પરત લેવા માંગ કરી હતી.