સાબરકાંઠામાં ધો. 6 થી 8ના શિક્ષણ કાર્યનો પ્રારંભ પહેલા પ્રાંતિજની બે શાળાના પાંચ શિક્ષકોને કોરોના
સાબરકાંઠા જિલ્લામાં એક તરફ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ગરમાવો છે જ્યારે બીજી તરફ સરકાર દ્વારા શાળાના અમુક વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે પ્રાંતિજમાં કોરોનાએ ફરી વકરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાંતિજની બે ખાનગી શાળાના એક મહીલા સહિત પાંચ શિક્ષકોનો રીપોર્ટ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં શિક્ષણ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વૈશ્વિક કોરોના કાળને લઈ ઉત્તર ગુજરાત જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બંધ હતું જોકે દિવાળી બાદ રાજ્યમાં કોરોના અંકુશમાં આવતા સરકાર દ્રારા સ્કૂલોમાં તબક્કા વાર શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવી રહી છે જેમાં અગાઉ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષણ શરૂ કર્યા બાદ ગુરુવારથી પ્રાથમિક સ્કૂલોમાં ધો.૬ થી ૮ ના વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા હોઈ ઉત્તર ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ ધો.૬ થી ૮માં નોંધાયેલ વિદ્યાર્થીઓના શિક્ષણ શરૂ કરવામાં આવશે.
છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસ ઓછા નોંધાતા સરકાર દ્વારા કેટલાક વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે જયારે બીજી તરફ ૨૮ ફેબુ્રઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ વિવિધ પક્ષોના કાર્યકરોએ પોતાને જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે પ્રાંતિજ તાલુકામાં કોરોનાએ ફરી વકર્યો છે.
પ્રાંતિજ તાલુકાની બે ખાનગી શાળાઓમાં એક મહિલા સહિત પાંચ શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં શિક્ષણ આલમ અને વિદ્યાર્થી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાંતિજ શહેરમાં સીનેમા રોડ પર આવેલી સર્વોદય વિદ્યાલયમાં એક મહિલા આચાર્ય સહિત અન્ય ત્રણ શિક્ષકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે જયારે એકસપરિમેન્ટલ હાઈસ્કૂલના બે શિક્ષકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં પ્રાંતિજમાં એક મહિલા સહિત પાંચ શિક્ષકોનો કોરોના રીર્પોર્ટ પોઝિટિવ આવતાં પ્રાંતિજ શહેરમાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓમા પણ ચિંતા જોવા મળી છે જયારે બીજી તરફ કેટલાક બાળકો હજુ પણ શાળામાં માસ્ક પહેર્યા વિના ફરતા જોવા મળ્યા હતા.
આ અંગે પ્રાંતિજ તાલુકાના આરોગ્ય અધિકારીને પૂછતાં તે પ્રાંતિજમાં શિક્ષકોને કોરોનાના કેસ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. પ્રાંતિજ શહેરના બજારોમાં પણ લોકો કોરોના ચાલ્યો ગયો હોય તેમ માસ્ક બાંધ્યા વિના ખૂલ્લે આમ ફર્યા કરે છે જયારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પોતાના ઉમેદવારી પત્રો ભરવા ઉમેદવાર મોટી સંખ્યામાં લઈને આવતા હતા તેથી હજુ પણ કોરોનાનું સંક્રમણ વધે તો નવાઈ નહિ.