CMOમાંથી નહીં, પણ સિવિલ હોસ્પિટલમાંથી ચાલશે ગુજરાત સરકાર, રૂપાણીએ મુખ્યમંત્રીનો ચાર્જ કોઈને સોંપ્યો નહીં

ગુજરાત
ગુજરાત

ગુજરાતની સાડાછ કરોડની જનતાના વડા એવા મુખ્યમંત્રી રૂપાણી કોરોના સંક્રમિત થતાં હાલ યુ.એન. મહેતામાં દાખલ છે. તેઓ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવાના છે, જેથી જનતાના મનમાં એક જ સવાલ છે કે મુખ્યમંત્રી તો હોસ્પિટલમાં છે તો ગુજરાત સરકાર કેવી રીતે ચાલશે. એ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે મુખ્યમંત્રી રૂપાણીની સારવાર દરમિયાન મુખ્યમંત્રીનો ચાર્જ કોઈને આપવામાં આવશે નહીં અને ખુદ મુખ્યમંત્રી રૂપાણી વીડિયો-કોન્ફરન્સ તથા મોબાઈલના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયનું સંચાલન કરતા રહેશે. આમ, અઠવાડિયા સુધી ગુજરાત સરકાર CMOને બદલે સિવિલમાંથી ચાલશે.

સામાન્ય રીતે એવો શિરસ્તો રહ્યો છે કે મુખ્યમંત્રીની બીમારી કે વિદેશપ્રવાસ જેવી સ્થિતિમાં સિનિયર મંત્રીને ચાર્જ સોંપવામાં આવે છે, પરંતુ આ વખતે મુખ્યમંત્રીએ કોઈને ચાર્જ સોંપ્યો નથી. તેમણે સિવિલમાંથી જ સારવારની સાથે સાથે ગુજરાતનું સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે.

આ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી 2018ની 26મી જૂનના રોજ પોતાના પ્રથમ વિદેશપ્રવાસે 6 દિવસ માટે ઈઝરાયેલ ગયા હતા. આ છ દિવસના પ્રવાસ દરમિયાન રૂપાણીએ સરકારના બે સિનિયર મંત્રીઓ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ગૃહ અને વહીવટી વિભાગ સિવાયના પોતાના વિભાગોની વહેંચણી કરીને જવાબદારી સોંપી હતી.

2018માં મુખ્યમંત્રીપદનો ચાર્જ સોંપવા મામલે થયેલા વિવાદ સમયે બંધારણના નિષ્ણાત અને પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ કહ્યું હતું કે ઉપમુખ્યમંત્રીનું પદ બંધારણીય નથી. બીજું એ કે મુખ્યમંત્રી ઓફિશિયલી વિદેશપ્રવાસે જઈ રહ્યા છે, તેથી તેઓ મુખ્યમંત્રીની જવાબદારીથી અળગા થયા નથી. પરિણામે, કોઈને ચાર્જ સોંપવાનો બંધારણીય સવાલ ઊભો થતો જ નથી. જો મુખ્યમંત્રી વ્યક્તિગત કામે બહાર જતા હોય અથવા તો ગંભીર રીતે બીમાર હોય અને શાસનની જવાબદારી ઉપાડી શકે એમ ન હોય તો જ અન્ય કોઈને ચાર્જ સોંપવાનો સવાલ ઊભો થાય છે. મહેતાના કહેવા મુજબ ગૃહ તેમજ વહીવટી ખાતું કોઈને સોંપવું કે નહીં એ નિર્ણય કરવાનો મુખ્યમંત્રીને અબાધિત અધિકાર છે, તેથી આ મૂદ્દે કોઈ વિવાદને સ્થાન ન હોવું જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.