થરાદના રાહના વેપારી સાથે ૧.૨૯ કરોડની ઠગાઇ કરાતાં ખળભળાટ

ગુજરાત
ગુજરાત

પશુઆહારના વેપારીએ પંદર હજાર બોરીની ખરીદી કરી દુકાનને તાળાં માર્યાં

થરાદ તાલુકાના લખાપુરા ગામના રબારી ગોવિંદભાઈ પુંજાભાઈએ થરાદ પોલીસ મથકમાં રબારી મકવાણા શામળાભાઇ કલાજી રહે. પાંથાવાડા તા.પાંથાવાડા અને માળી પ્રદીપભાઈ અને માળી પંકજભાઈ બંન્ને રહે.રાજસ્થાન સામે લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે પોતે રાહ મુકામે જયકેશર ભવાની પશુઆહારની ફર્મ જ્યારે શામળાભાઇ ચારેક મહિનાથી મહાદેવ પશુઆહાર નામની પેઢી ધરાવતા હતા. તેઓ પણ પશુઆહારનો હોલસેલ તેમજ છુટક વેપાર કરતા હતા. એક જ પ્રકારનો ધંધો કરતા હોઇ માલની ખરીદી વેચાણ કરવા માટે અવારનવાર દુકાને અવર-જવર થવાના કારણે વિશ્વાસ સંપાદન કર્યો હતો. પ્રદીપભાઈ માળી અને પંકજભાઈ માળી પણ પોતાની દુકાને આવીને મિસ્ટર શાંમળ નામની મોટી છાપ ઉભી કરી હતી. શામળાભાઇએ આપણે બંને એક જ સમાજના છીએ. હું મોટો વેપારી છું તમારી પાપડી, ચુરી, મકાઈ ખોળ,ભરડો, ઇસબગુલ ખોળ તેમજ મમરી રાહ થી માંડી ધાનેરા, પાથાવાડા, દાંતીવાડા, દિયોદર, શિરોહી, રાણીવાડા, સાંચોર વગેરે તમામ તાલુકાઓમાં મારું ખુબ જ મોટું નેટવર્ક છે અને અલગ અલગ જગ્યાએ દુકાન આવેલી તેમ જણાવ્યું હતું. આથી તેઓ સમાજના હોઈ અને ધંધો કરતા હશે તેવું માનીને પ્રથમ ત્રણ લાખનો માલ આપ્યો હતો. જેના રૂપિયા ત્રીજા દિવસે તેમણે રોકડા ચુકવી આપ્યા હતા. અને આ રીતે કોઈ વખત ચાર લાખનો તો કોઈ વખત દસ લાખનો પશુઆહારનો માલ લઇ જઇ કહ્યા પ્રમાણે રૂપીયા આપી દેતાં ખુબજ વિશ્વાસ કેળવ્યો હતો. ગત બે ૨/૧૨/૨૦૨૦ ના રોજ ૪૦ ગાડી પાપડી,ચુરી, મકાઈ ખોળ, ઇસબગુલ ખોળ તેમજ ભરડો વગેરે અલગ-અલગ તાલુકામાં છ સાત ગાડી (ઓછામાં ઓછી ૧૫ હજાર બોરી) ની જરૂર પડશે તેમ કહીને કોઈ વખત બે ગાડી (૧૦૦૦ બોરી) તો કોઈ વખત ૧૫૦૦ બોરી મળીને ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં એક, બે ,પાંચ ગાડી કરી ૩૦ ગાડી મળીને કુલ ૧૫ હજાર બોરી કિંમત રૂપિયા ૧,૨૯,૦૦,૫૬૦ (એક કરોડ ઓગણત્રીસ લાખ પાંચસો) નો માલ ખરીદી લઈ ગયા હતા. જે નાણાં ૦૧/૦૨/૨૦૨૧ ના રોજ ચુકવી આપવાનું કહ્યા બાદ તેમણે મોબાઇલ નંબર બંધ કરી દીધા હતા. જે આજ સુધી ચાલુ થવા પામ્યા ન હતા.તદુપરાંત તેઓ ૨૬ જાન્યુઆરીથી રાહ ખાતેની તેમની પેઢી બંધ કરીને જતા રહ્યા હતા. આથી ગોવિંદભાઇને પોતાની સાથે વિશ્વાસ અને ઠગાઇ થયાનો એહસાસ થયો હતો. આ શખ્સોએ અન્ય વેપારીઓ જાેડે પણ આ પ્રકારે છેતરપિંડી તથા ઠગાઇ કરી હોવાનું રાહ ગામમાંથી જાણવા મળ્યું હતું. આથી તેમની સામે ધોરણસર ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ બનાવને લઇને બનાસકાંઠા થી રાજસ્થાન પંથકમાં પણ ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.