સિંધુ બોર્ડર પર વધુ એક ખેડૂતનું મોત, લાલકિલ્લા પર ઝંડો લગાવવાના આરોપી દીપ સિદ્ધુની ધરપકડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરતાં વધુ એક ખેડૂતનું મંગળવારે સવારે મોત થઈ ગયું છે. મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે. ઘટના દિલ્હી-હરિયાણા વચ્ચે આવેલા સિંધુ બોર્ડરની છે. મૃતકનું નામ હરિંદર અને ઉંમર 50 વર્ષ છે. તેઓ પાનીપત જિલ્લાના સેવા ગામમાં રહેચા હતા. આ પહેલાં સોમવારે પીજીઆઈ રોહતકમાં એક વૃદ્ધ જવાનનું મોત થયું હતું. તેમને 16 જાન્યુઆરીએ ઠંડી લાગવાના કારણે ટીકરી બોર્ડરથી લાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ટીકરી બોર્ડર પર રવિવારે એક ખેડૂતનો મૃતદેહ બગીચામાં ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. તેમનું નામ કર્મવિર સિંહ હતું. તેમણે સુસાઈડ નોટમાં લખ્યું હતું, ભારતીય કિસાન યુનિયન જિંદાબાદ. મોદી સરકાર બસ તારીખ પર તારીખ આપી રહી છે. કોઈ નથી કહેતું કે કાળો કાયદો ક્યારે પરત લેવામાં આવશે. સોનીપતની સિંધુ બોર્ડર પર અત્યાર સુધી 17 ખેડૂતો જીવ ગુમાવી બેઠા છે.

દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન લાલકિલ્લા પર હિંસા ભડકાવવાના આરોપી દીપ સિદ્ધુની પોલીસે મંગળવારે ધરપકડ કરી લીધી છે. પંજાબી સિંગર દીપ સિદ્ધુ પર લાલકિલ્લા પર ધાર્મિક ઝંડો લહેરાવવાનો અને લોકોને ઉશ્કેરવાનો આરોપ છે. તેના પર દિલ્હી પોલીસે એક લાખનું ઈનામ રાખ્યું હતું.​​​​​​​

દિલ્હી પોલીસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપ સિદ્ધુ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી એક મિત્રના સંપર્કમાં હતો. તે એક્ટ્રેસ પણ છે. દીપ આ મિત્રને વીડિયો મોકલતો હતો અને તે એને દીપ સિદ્ધુના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અપલોડ કરતી હતી.

કુરુક્ષેત્રની અનાજ મંડીમાં થનારી મહાપંચાયત પહેલાં જ એક વિવાદ ઊભો થઈ ગયો છે. અહીં ખેડૂતનેતા ગુરનામ સિંહ ચઢૂનીને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, જ્યારે કુરુક્ષેત્ર ચઢૂનીનો વિસ્તાર છે. ચઢૂનીએ કહ્યું છે કે તેમને મહાપંચાયતની માહિતી આપવામાં આવી નથી અને તેથી તેમણે બીજી જગ્યાના કાર્યક્રમ નક્કી કરી દીધા હતા. આ કારણે હવે તેઓ મહાપંચાયતમાં નહીં જઈ શકે. જોકે મહાપંચાયતના જસતેજ સંધીએ કહ્યું હતું કે ચઢૂનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે સમય કાઢીને મહાપંચાયત આવવાની વાત કરી હતી.

મોદી બુધવારે લોકસભામાં પણ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પેશ કરી શકે છે. આ દરમિયાન એક વખત ફરી ખેડૂતોના આંદોલન અને કૃષિ કાયદાઓ પર બોલી શકે છે. મોદીએ સોમવારે રાજ્યસભામાં ખેડૂત આંદોલન પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ખેડૂતોએ વાતચીત માટે આગળ આવવું જોઈએ.

મોદીએ કહ્યું હતું કે ખેડૂત આંદોલન પર ખૂબ ખર્ચો થયો. મુખ્ય વાત પર ચર્ચા થઈ હોત તો સારું થાત. કૃષિમંત્રીએ સારી રીતે સવાલ પૂછ્યા, પરંતુ એના જવાબ નહિ મળે. જરા ગ્રીન રિવોલ્યુશનની વાત વિચારો. સખત નિર્ણય લેવા માટે લાલબહાદુર શાસ્ત્રીએ પણ વિચારવું પડ્યું હતું. ત્યારે પણ કોઈ કૃષિમંત્રી બનવા માગતું ન હતું, કારણ કે તેમને લાગે છે કે ક્યાંક કડક નિર્ણય લેવાને પગલે રાજકારણ સમાપ્ત ન થઈ જાય. આજે જે ભાષા મારા માટે બોલવામાં આવી રહી છે ત્યારે એ તેમના માટે બોલવામાં આવતી હતી કે અમેરિકાના ઈશારે ચાલી રહ્યા છે.

રાજ્યસભામાં મોદીની સ્પીચના અમુક કલાકો પછી સંયુક્ત કિસાન મોરચાના સભ્ય શિવ કુમાર કક્કાએ કહ્યું હતું કે તેઓ આગામી વાતચીત માટે તૈયાર છે. સરકાર તેમને મીટિંગનો દિવસ અને સમય જણાવી દે. જોકે કક્કાએ કહ્યું હતું કે લોકતંત્રમાં આંદોલનની મહત્ત્વની ભૂમિકા હોય છે. લોકોને સરકારની ખોટી નીતિનો વિરોધ કરવાનો અધિકાર છે.

મોદીના નિવેદન વિશે ટિકૈતે કહ્યું હતું કે વડાપ્રધાને એવું કહ્યું છે કે MSP હતા, છે અને રહેશે, પરંતુ એવું ના બોલ્યા કે MSP પર કાયદો બનાવવામાં આવશે. દેશ વિશ્વાસથી ના ચાલે. એ બંધારણ અને કાયદાથી ચાલે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.