બરકાંઠામાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 70 %ઉમેદવાર ફાઇનલ, 30 ટકા બેઠકો પર ઉમેદવારો વચ્ચે હોડ
સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઇ છે. ત્યારે કોંગ્રેસે ટિકિટ વાંચ્છુઓમાં કોઈપણ પ્રકારની અવઢવ ન રહે તે હેતુસર તાલુકા જિલ્લા પંચાયતના 70 ટકા ઉમેદવાર ફાઇનલ કરી દીધા છે અને બાકીની બેઠકો માટે બબ્બે ઉમેદવારની પેનલ પ્રદેશમાં મોકલી આપી છે અને પાલિકાની યાદી પણ બે દિવસમાં જાહેર કરી દેવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું જ્યારે ભાજપમાં હજુ પણ પેનલો જાહેર કરવામાં પણ બળવા – નારાજગીની દહેશત પ્રવર્તી રહી છે. પરંતુ મોટાભાગના ઉમેદવારોને ઈશારો કરી દેવાયો છે. ફોર્મ ભરવાની તારીખ નજીક ન આવે ત્યાં સુધી ભાજપે પત્તા ખોલવાનું મુનાસીબ માન્યુ નથી બીજી બાજુ કોંગ્રેસે જિલ્લાની 8 તાલુકા પંચાયતની 172 બેઠક અને જિલ્લા પંચાયતની 36 બેઠકના મોટાભાગના ઉમેદવારો ફાઇનલ કરી પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલે વિગત આપતા જણાવ્યું કે જિલ્લા – તાલુકા પંચાયતની 70 ટકા બેઠકો માટે એક – એક ઉમેદવાર ફાઇનલ કરી દીધા છે બાકીની બેઠકોમાં બબ્બે સક્ષમ ઉમેદવારો છે તમામની યાદી પ્રદેશમાં મોકલી અપાઇ છે. હિંમતનગર પાલિકા અને વડાલી પાલિકા માટે બે એક દિવસમાં યાદી જાહેર કરી દેવાશે. જે ફાઇનલ કરી દેવાયા છે તેમને તૈયારીઓ શરૂ કરી દેવા સૂચના આપી દેવાઇ છે. ભાજપ દ્વારા શનિવારે પેનલો તૈયાર કરી રવિવારે પ્રદેશમાં મૂકવામાં આવનાર છે અને ઉમેદવારો જાહેર કરવામાં હજુ બે – ચાર દિવસનો સમય લાગી શકે તેમ હોવાનું જણાવાઇ રહ્યું છે.