મોરવાહડફ બેઠકના પૂર્વ અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી બીમારી બાદ નિધન

ગુજરાત
ગુજરાત

પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભા બેઠકના પૂર્વ અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી બીમારી બાદ આજે નિધન થયું છે. અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર ખોટું હોવાનું ઠેરવીને તેમને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કરાયા હતા. તેમના નિધનને પગલે તેમના પરિવાર અને સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બપોરે 3 વાગ્યે તેમના વતન વિરાણિયા ગામમાં અંતિમવિધિ થશે

વર્ષોથી કોંગ્રેસ સાથે રહેલા ભૂપેન્દ્ર ખાંટને કોંગ્રેસે ટિકિટ ન આપતાં તેઓ 2017માં ગુજરાત વિઘાનસભાની મોરવાહડફ બેઠક પરથી અપક્ષ લડીને ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ તેમના આદિવાસી પ્રમાણપત્રને લઇને તેઓ વિવાદમાં આવ્યા હતા અને તેમનું આદિવાસી પ્રમાણપત્ર ખોટું હોવાનું ઠેરવીને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કરાયા હતા. ત્યાર બાદ ભૂપેન્દ્ર ખાંટ લાંબા સમયથી બીમાર હતા. આ દરમિયાન આજે તેમને અમદાવાદ ખાતે સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું નિધન થયું હતું. તેમના વતન મોરવાહડફના વિરાણિયામાં બપોરે 3 વાગ્યે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.

મોરવાહડફની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પરથી 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાઇ આવેલા અપક્ષ ધારાસભ્યને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગેરલાયક ઠેરવ્યા છે. ખાંટનું જાતિ પ્રમાણપત્ર ખોટું હોવાનું ઠરતાં રાજ્યપાલે તેમને ગેરલાયક ઠેરવતો હુકમ કર્યો હતો, જેના અનુસંધાને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ખાંટને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવ્યા હતા.

મોરવાહડફ બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ભાજપના ઉમેદવાર વિક્રમસિંહ ડીંડોરની અરજીને આધારે આદિજાતિ વિકાસ કમિશનરના વડપણ હેઠળની સ્ક્રૂટિની કમિટીએ ખાંટનું જ્ઞાતિ પ્રમાણપત્ર અમાન્ય ઠેરવ્યું હતું, જેની સામે ખાંટે આ કાર્યવાહીને હાઇકોર્ટમાં પડકારી હતી. ખાંટને યોગ્ય પ્રમાણપત્રો અને પુરાવા રજૂ કરવા માટે મહેતલ અપાઇ હતી, પરંતુ તેઓ યોગ્ય એ રજૂ કરી શક્યા ન હતા. જોકે અધ્યક્ષની આ કાર્યવાહીને ખાંટે સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.