ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે GCA ના સિલેક્ટરોની હાજરીમાં ખેલાડીઓની પ્રતિભા પરખાઈ: મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ ઉમટી પડ્યા
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (પાલનપુર) દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના માર્ગદર્શન હેઠળ અંડર-23 અને સિનિયર (ઓપન કેટેગરી) ટીમ માટેના સિલેક્શન ટ્રાયલનું ભવ્ય આયોજન ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું.બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં આ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના માન્ય સિલેક્ટરો ખાસ હાજર રહ્યા હતા, જેમણે ખેલાડીઓની ટેકનિક અને કૌશલ્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. પસંદગી પ્રક્રિયામાંઅંડર 23+ અને સિનિયર ટીમની પસન્દગી યોજાઈ હતી. જેમાં સમગ્ર જિલ્લામાંથી આવેલા યુવા ખેલાડીઓએ બેટિંગ, બોલિંગ અને વિકેટકીપિંગમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તમામ ખેલાડીઓ ‘વ્હાઈટ એન્ડ વ્હાઈટ’ ગણવેશ અને પોતાની પર્સનલ ક્રિકેટ કીટ સાથે શિસ્તબદ્ધ રીતે હાજર રહ્યા હતા.
આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ શશીકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં છુપાયેલી ક્રિકેટ પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. જે ખેલાડીઓમાં ઉત્કૃષ્ટ સ્કિલ અને ટેલેન્ટ હશે, તેમને પારદર્શક રીતે પ્રાથમિકતા આપીને આગળ લાવવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસા સ્પોર્ટ્સ ક્લબના મેહુલભાઈ શાહ, જીગ્નેશભાઈ જોશી, બાબુભાઈ જોશી, લલિતભાઈ પ્રજાપતિ, આકાશભાઈ ઘેરવ સહિતના હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. અગાઉના અંડર-14, 16 અને 19 ના સિલેક્શનની જેમ જ આ ટ્રાયલમાં પણ પ્રોફેશનલ એપ્રોચ સાથે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.

