દાંતાના ભેમાળમાં મોટી દુર્ઘટના, ક્વોરીમાં ટ્રક ખીણમાં ખાબકતા એકનું મોત

દાંતાના ભેમાળમાં મોટી દુર્ઘટના, ક્વોરીમાં ટ્રક ખીણમાં ખાબકતા એકનું મોત

મજૂર કે ડ્રાઇવરના મોતને લઈ વિરોધાભાસ, તપાસની માંગ

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ ભેમાળ ક્વોરી ખાતે આજે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, ક્વોરી વિસ્તારમાં બનાવવામાં આવેલી ઊંડી ખાઈમાં ટ્રક પટકાતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ, ભેમાળ ક્વોરીમાં અંદાજે 150 મીટરથી વધુ ઊંડાઈ ધરાવતી ખાઈ બનાવવામાં આવી છે. ભૂતકાળમાં પણ આવી જોખમી ખાઈને કારણે અનેક અકસ્માતોના બનાવો સામે આવ્યા છે. આજનો બનાવ પણ આવી જ ખતરનાક પરિસ્થિતિના કારણે બન્યો છે.

આ બનાવ અંગે ટ્રક ચાલકનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે અકસ્માતમાં એક મજૂરનું મોત થયું છે, જ્યારે ડ્રાઇવર સુરક્ષિત છે. જોકે, સ્થાનિકોમાં અલગ જ ચર્ચા ચાલી રહી છે અને કેટલાક લોકોનો દાવો છે કે આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું મોત થયું છે.આ વિરોધાભાસી માહિતી વચ્ચે ઘટનાની હકીકત અંગે સ્પષ્ટતા માટે સત્તાવાળાઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

વધુમાં, સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અકસ્માતગ્રસ્ત ટ્રકના વીમા, પીયૂસી અને ફિટનેસ સર્ટિફિકેટ જેવા જરૂરી દસ્તાવેજોની પણ તપાસ થવી જોઈએ. સાથે જ, આટલી ઊંડી ખાઈ માટે ક્વોરી સંચાલકોને કોણે પરમિશન આપી તે મુદ્દે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.હાલ, સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે અને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા જરૂરી પગલાં લેવામાં આવે તેવી લોક માગ ઉઠી રહી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *