રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો : ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર ધસી આવ્યા

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો : ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર ધસી આવ્યા

રાધનપુર શહેરમાં રાંધણ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફોન દ્વારા ગેસ બુકિંગ ન થવાના કારણે ગ્રાહકોને સીધા ગેસ એજન્સી પર જવું પડી રહ્યું છે, જેના કારણે નૈમિષ ગેસ એજન્સી ખાતે દિવસભર ભીડ અને ગેરવ્યવસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા 2 દિવસથી ફોન દ્વારા ગેસ બુકિંગ કરવાની વ્યવસ્થા યોગ્ય રીતે કામ કરતી નથી. ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિણામે અનેક ગ્રાહકો સિલિન્ડર મેળવવા માટે સીધા એજન્સી પર પહોંચતા લાંબી લાઈનો લાગી ગઈ હતી.

સવારથી જ મોટી સંખ્યામાં લોકો નૈમિષ ગેસ એજન્સી ખાતે ઉમટી પડતા ત્યાં અવ્યવસ્થા સર્જાઈ હતી. વૃદ્ધો, મહિલાઓ અને રોજગારી ધરાવતા લોકો પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા. ઘણા ગ્રાહકોના જણાવ્યા મુજબ, માત્ર એક સિલિન્ડર મેળવવા માટે પણ તેમને લાંબો સમય રાહ જોવી પડી રહી છે.ગ્રાહકોનો આક્ષેપ છે કે એજન્સી તરફથી વારંવાર “સર્વર ડાઉન છે” એવી વાત કહીને જવાબ આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. જેના કારણે સામાન્ય જનતાને અનાવશ્યક હાલાકી ભોગવવી પડી રહી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ગેસ જેવી આવશ્યક સેવાઓમાં આવી ગેરવ્યવસ્થા સ્વીકાર્ય નથી. લોકોની સુવિધા માટે ફોન અને ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા સરળ અને સુલભ હોવી જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિમાં ગ્રાહકોને વારંવાર એજન્સીના ચક્કર લગાવવા પડે છે. શહેરના નાગરિકોએ જવાબદાર તંત્રને અપીલ કરી છે કે ગેસ બુકિંગની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને ગ્રાહકોને ગેસ સિલિન્ડર મેળવવામાં સરળતા થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. સાથે જ એજન્સી ખાતે યોગ્ય વ્યવસ્થા અને પારદર્શિતા રાખવા માટે પણ માંગ ઉઠી રહી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *