યુદ્ધની દહેશત : ડીસામાં ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારો લાગી

યુદ્ધની દહેશત : ડીસામાં ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારો લાગી

અછત અને ભાવવધારાના ડરને લીધે ગેસના ગોડાઉન પર સિલિન્ડર મેળવવા પડાપડી

બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં આજે ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરની રિન્કુ ગેસ એજન્સીના ગોડાઉન પર સવારથી જ લોકોની લાંબી કતારો લાગી હતી. આ અચાનક ઉમટેલી ભીડ પાછળ વૈશ્વિક સ્તરે ચાલી રહેલું ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

​આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની પરિસ્થિતિને કારણે ક્રૂડ ઓઈલ અને ગેસના પુરવઠા પર અસર પડવાની આશંકા સેવાઈ રહી છે. ડીસાના સ્થાનિક ગ્રાહકોમાં એવી દહેશત ફેલાઈ છે કે આગામી દિવસોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થઈ શકે છે અથવા તો તેની ભારે અછત સર્જાઈ શકે છે. આ ભયને કારણે લોકો એડવાન્સમાં સિલિન્ડર બુક કરાવી લેવા અને મેળવવા માટે ઉમટી પડ્યા છે. લોકોમાં એવી ચર્ચા છે કે જો યુદ્ધ લંબાય તો રાંધણ ગેસ મળવો મુશ્કેલ બનશે, જેથી ગૃહિણીઓ અને શ્રમિક વર્ગ ચિંતામાં મુકાયો છે રિન્કુ ગેસના ગોડાઉન પર વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઉભા રહી ગયા હતા, જેના કારણે વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની હતી.માત્ર શહેર જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો પણ ગેસ સિલિન્ડર મેળવવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા.​

જોકે, જાણકારોના મતે આ માત્ર એક ‘પેનિક’ જેવી સ્થિતિ છે. અત્યારે પુરવઠો પૂરતો હોવા છતાં અફવાઓ અને ડરના કારણે લોકો જરૂરિયાત વગર સંગ્રહ કરી રહ્યા છે. આવી સ્થિતિને કારણે ખરેખર જરૂરિયાતવાળા ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે​આંતરરાષ્ટ્રીય સંઘર્ષોની અસર જ્યારે સ્થાનિક અર્થતંત્ર પર દેખાય છે, ત્યારે સામાન્ય જનતામાં અસુરક્ષાની લાગણી જન્મે છે, જેનું પ્રતિબિંબ આજે ડીસામાં જોવા મળ્યું હતું.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *