પાટણ નગરપાલિકાએ હંસાપુર સીમમાં ગૌચરની જમીન પર ચાલતા ગેરકાયદે પાણીના પ્લાન્ટને સીલ કર્યો છે. આ પ્લાન્ટ નગરપાલિકાની પાણીની ટાંકી માંથી સીધું ગેરકાયદે કનેક્શન મેળવીને ચલાવવામાં આવતો હતો.
પાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરીત દ્વારા આ પ્લાન્ટ ચલાવી પાણીનો વેપાર થતો હોવાનું ખુલ્યું હતું.પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ કાર્યવાહીની વિગતો આપતા જણાવ્યું કે, હંસાપુરની સીમમાં આ પાણીનો પ્લાન્ટ નગરપાલિકાનું ગેરકાયદેસર પાણીનું કનેક્શન સીધું ટાંકીમાંથી લઈને ચલાવતો હતો. આ પ્લાન્ટ દ્વારા નગરપાલિકાના પાણીનો વેપાર કરવામાં આવતો હતો. અગાઉ ઓક્ટોબર મહિનામાં નગરપાલિકા દ્વારા આ જગ્યા ગૌચરની હોવાથી તેને ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી.આ પ્લાન્ટ ચલાવનાર વ્યક્તિ નગરપાલિકાના સદસ્ય રમીલાબેન ઠાકોરના સાગરીત હોવાનું સામે આવ્યું છે.રમીલાબેન મારફતે કારોબારી સમિતિમાં આ ગ્રામ પંચાયત બાબતનો ઠરાવ મંજૂર કરાવવામાં આવ્યો હતો.જોકે,આ ઠરાવને પ્રાદેશિક કમિશનર કચેરીમાં પડકારવામાં આવ્યો હતો.
તપાસના અંતે આ જગ્યા ગૌચરની હોવાનું સાબિત થતા RCM દ્વારા આ ઠરાવ ને કાયમી અસરથી નામંજૂર કરી દેવામાં આવ્યો હતો. આ જમીન નગરપાલિકાની માલિકીની હોવાથી અને તેના પર ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાથી પાલિકા તંત્ર દ્વારાસીલિંગની કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું ચીફ ઓફીસર હિરલ ઠાકરે જણાવ્યું હતું.

