ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં નજીવી બાબતે થયેલી યુવકની હત્યાના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. રસ્તા પર વાહન પસાર કરવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદમાં એક યુવક પર જીવલેણ હુમલો કરી તેની હત્યા નિપજાવનાર ચાર શખ્સો પૈકી ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે.
મળતી માહિતી મુજબ, જોરાપુરા ગામે રસ્તા પરથી વાહન લઈને આવવા-જવા બાબતે બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ચાર શખ્સોએ એક યુવકને નિશાન બનાવી લોખંડની ટોમી અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે વેલજીજી ગજાજી ઠાકોરનું કરૂણ મોત નીપજ્યું હતું. જેમાં પોલીસે ચાર આરોપી સામે હત્યા ગુનો નોંધ્યો હતો.હત્યાના આ ગંભીર ગુનાની તપાસ કરી રહેલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુરુવારના રોજ પોલીસ કાફલા દ્વારા આ આરોપીઓને સાથે રાખી જોરાપુરા ખાતે ઘટનાસ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સમગ્ર ઘટના કેવી રીતે બની ? તેનું ‘ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન’ કરવામાં આવ્યું હતું.
જ્યારે પોલીસ આરોપીઓને લઈને ગામમાં પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હાલમાં પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અને ફરાર અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.



