પાટણ જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27 નું અંદાજપત્ર રજૂ કરાયું

પાટણ જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27 નું અંદાજપત્ર રજૂ કરાયું

બજેટમાં શિક્ષણ અને આરોગ્ય પર વિશેષ ભાર મુકાયો

વિપક્ષે બજેટને જાજવાના નીર સમાન ગણાવી બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ માત્ર કાગળ પર હોવાના આક્ષેપો કર્યા

પાટણ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2026-27નું મહત્વકાંક્ષી બજેટ રજૂ કરવા માટે સોમવારે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા તેમના કાર્યકાળનું સતત ત્રીજું અંદાજપત્ર રજૂ કરતા, જિલ્લાના સર્વાંગી વિકાસ અને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.મર્યાદિત આવક અને ભૌગોલિક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ આ બજેટમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ન્યાયને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

વર્ષ 2026-27ના અંદાજપત્રમાં આવક અને ખર્ચનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે: રૂ. 14.58 કરોડની અંદાજિત આવક સામે રૂ. 13.35 કરોડના ખર્ચનું આયોજન કરાયું છે.  કુલ બજેટ (સરકારી પ્રવૃત્તિઓ સહિત) અંદાજે 1538 કરોડની આવક સામે રૂ. 1537 કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે ‘સ્માર્ટ’ અભિગમ અપનાવ્યો છે જેમાં પ્રાથમિક શિક્ષણને આધુનિક બનાવવા માટે શિક્ષણ ઉપકરની આવકમાંથી રૂ. 233 લાખની માતબર જોગવાઈ કરવામાં આવી છે. આ રકમનો ઉપયોગ જિલ્લાની શાળાઓમાં સ્માર્ટ ક્લાસ બનાવવા માટે કરવામાં આવશે, જેથી ગ્રામીણ બાળકો પણ ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મેળવી શકે.

આ બજેટમાં સૌથી નોંધપાત્ર બાબત ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતા બાળકો માટેની છે. જિલ્લાના આવા 123 બાળકોને ગ્લુકોમીટર, ઈન્સ્યુલિન પેન, રીફિલ અને સારવાર કીટ પૂરી પાડવા માટે રૂ. 12.92 લાખની નવી જોગવાઈ ઉમેરાઈ છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણકારી કાર્યો માટે રૂ. 50.00 લાખ ફાળવવામાં આવ્યા છે. જિલ્લાના પશુપાલકોને પ્રોત્સાહન આપવા બ્રીડ શો, પશુ પ્રદર્શન અને દૂધ હરીફાઈ જેવી પ્રવૃત્તિઓ માટે રૂ. 2.00 લાખની જોગવાઈ કરાઈ છે. નાગરિકોને સરકારી યોજનાઓની માહિતી આંગળીના ટેરવે મળે તે માટે રૂ. 5.00 લાખના ખર્ચે ‘કીઓસ્ક ડેશબોર્ડ’ અને રૂ. 9.00 લાખના ખર્ચે ‘જન સુવિધા કેન્દ્ર’ સ્થાપવાનું આયોજન છે.

બજેટ અંગે પ્રતિક્રિયા આપતા પાટણ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે આ બજેટને ‘જાજવાના નીર’ સમાન ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ માત્ર કાગળ પર છે અને વાસ્તવિક અમલીકરણના નામે તે ભ્રામક હોવાના આક્ષેપો તેઓએ કર્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *