ચાર દાયકા બાદ પણ બનાસ રત્ન શાંતિલાલ શાહના કાર્યોની સુવાસ ફેલાયેલ છે
બનાસકાંઠા જીલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ અને ગુજરાતની સ્થાપના બાદ પ્રથમ સરકારમાં મંત્રી રહેલા સ્વ.શાંતિલાલ શાહના કાર્યોની સુવાસ હજુ પણ બનાસની ધરા ઉપર પ્રસરી રહી છે. ડીસા શહેર સહીત જીલ્લાના વિકાસમાં અને અનેક સેવાકીય તેમજ સહકારી સંસ્થાઓની સ્થાપનામાં પાયાની ઈંટ રહ્યા છે. તો બીજી ઘણી બધી સંસ્થાઓના પ્રેરણામૂર્તિ રહ્યા છે. તેમને તેમના કાર્યકાળ સમયે જીલ્લામાં રોપેલા વિકાસના બીજના છોડ આજે વટવૃક્ષ બન્યા છે. જેના ફળ આજે પ્રાપ્ત થઇ રહ્યા છે.
બનાસકાંઠા જીલ્લાના આર્થિક નગરી ડીસાના વતની સ્વ.શાંતિલાલ શાહ દેશની આઝાદીના સમયે વિદ્યાર્થી કાળમાં કોંગ્રેસ સાથે જાેડાઈને દેશ સેવામાં યોગદાન આપ્યું હતું. તેઓએ પુનાની પ્રસિદ્ધ કોલેજમાંથી એલએલબીનો અભ્યાસ કરી ડીસા ખાતે વકીલાતના વ્યવસાયમાં જાેડાયા હતા.
સને ૧૯૬૦માં ગુજરાતની સ્થાપના થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતાના પ્રથમ મંત્રી મંડળમાં સંસદીય સચિવ બન્યા હતા અને ત્યારબાદ ૧૯૬૭માં મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં નાયબ મહેસુલ મંત્રીની જવાબદારી નિભાવી હતી. તે સમયે તેઓએ જમીન – મહેસુલના કાયદાઓમાં પ્રજાજનોના હિત માટે અનેક ફેરફાર કરાવ્યા હતા. જેનો લાભ ડીસા સહીત બનાસકાંઠા જિલ્લાને મળ્યો છે. આ ઉપરાંત તેઓ થરાદ, દીઓદર – કાંકરેજ અને ડીસા વિભાગમાંથી ધારાસભ્ય તરીકે રહી સહકારી ક્ષેત્રે વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ બનાસકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને ડીસા નાગરિક સહકારી બેંકના સ્થાપક ચેરમેન તથા શૈક્ષણિક ક્ષેત્રે સણાલી આશ્રમ, લોકનિકેતન રતનપુર અને ડીસા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્કુલ તેમજ કોલેજના સ્થાપક ટ્રસ્ટી રહી ચુક્યા છે. આ ઉપરાંત ૧૯૬૨માં ગુજરાતમાં પંચાયતી રાજ આવ્યું અને બનાસકાંઠા જીલ્લા પંચાયતની રચના થઇ ત્યારે તેમાં પ્રથમ જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે. ઉપરાંત ડીસાના નવા માર્કેટયાર્ડની સ્થાપનામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. જેથી આજે પણ નવા માર્કેટયાર્ડનું નામકરણ પણ તેમના નામથી જ થયું હતું. આ સિવાય પણ જીલ્લાની અનેક શૈક્ષણિક, ધાર્મિક, સહકારી અને પાંજરાપોળ સહિત જીવદયાની સંસ્થાઓમાં તેમનું યોગદાન તથા સત્કાર્યો આજે પણ અવિસ્મરણીય છે. તેઓએ ખરા અર્થમાં ડીસા સહીત બનાસકાંઠા જીલ્લાના એક ઉમદા લોકસેવક તરીકે તરીકે કરેલા કાર્યોને આજે પણ પ્રજાજનો ભૂલ્યા નથી. સ્વ.શાંતિલાલ શાહની ૪૪મી પૂણ્યતિથિ નિમિત્તે રખેવાળએ તેમના જીવનનો વિશેષ અહેવાલ રજુ કર્યો છે.