રંગોની છોળ સાથે શક્તિની ભક્તિના રંગે રંગાયું બહુચરાજી
યાત્રાધામ બહુચરાજી ખાતે ગત વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ચંદ્રગ્રહણ અને ફાગણી પૂનમના શુભ સંયોગને કારણે આ દિવસનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહ્યું હતું. સામાન્ય રીતે પ્રતિવર્ષ દર પૂર્ણિમાની રાત્રે નીકળતી માતાજીની શાહી સવારી આ વિશેષ પ્રસંગે સવારે અંદાજે ૧૧:૩૦ કલાકે નીકળી હતી. જેમાં પાલખી સાથે ભવ્ય રીતે નગરચર્યા માટે પ્રસ્થાન કરી શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ માતાજીની પૂજા-અર્ચના કર્યા બાદ શાહી સવારી નીકળી હતી. જે સમગ્ર બેચરાજી શહેરની પરિક્રમા કરી નિજ મંદિરે પરત ફરી હતી. જેમાં સ્થાનિક ભક્તો સાથે બહારથી પણ હજારો ભક્તો જોડાતા સમગ્ર બેચરાજી ગામ માં બહુચરના રંગે રંગાઈ ગયેલું જોવા મળ્યું હતું.
બહુચરાજી મંદિર ખાતે દૂર દૂરથી આવેલા માઈ ભક્તોએ અબીલ-ગુલાલ અને કેસુડાના પાણીથી રંગોત્સવ ઉજવી બહુચર માતાજી પ્રત્યેની પોતાની અનન્ય શ્રદ્ધા વ્યક્ત કરી હોળી ધુળેટી પર્વની ઉજવણી માં બહુચરના સાનિધ્યમાં કરી હતી. ચાચર ચોકમાં ભક્તોની ભારે ભીડ સાથે પોલીસ જવાનો પણ રંગોત્સવના આનંદમાં જોડાઈ જતાં શક્તિ અને ભક્તિનો સુમેળભર્યો સંગમ જોવા મળ્યો હતો. માતાજીની શાહી સવારીને પોલીસ દળ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જે જોતા જ માઈ ભક્તોમાં અનેરા આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેક ગાયકવાડ સરકારના સમયથી ચાલી આવતી ગાર્ડ ઓફ ઓનરની આ અનન્ય પરંપરા આજે પણ યથાવત ચાલી આવી છે, જે યાત્રાધામની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરનું પ્રતીક હોવાનું માનવામાં આવે છે. બહુચર માતાજીની નગરચર્યા દરમિયાન માર્ગ પર હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહી “જય મા બહુચર જય જય બહુચર”ના જયઘોષ સાથે સમગ્ર શહેર ભક્તિમય બની જવા પામ્યું હતું. જ્યાં બહુચર માતાજી સાથે રંગે રમીને માંના ભક્તોએ માં બહુચરના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હજારો માઈ ભક્તોની મેદની વચ્ચે યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાજીના લાવન સાનિધ્યમાં રંગોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

