બનાસકાંઠા SOGએ 70 વર્ષીય વૃદ્ધની કરી ધરપકડ
બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ મોટી સફળતા મેળવી છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના સમૌ મોટા ગામેથી પોલીસે બે બંદૂકો સાથે એક 70 વર્ષીય ખેડૂતની અટકાયત કરી છે.
ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેની સૂચનાથી SOG પીઆઈ એસ.એમ. પટણીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પીએસઆઈ જે.જે. સરવૈયાને ચોક્કસ બાતમી મળી હતી કે સમૌ મોટા ગામના પ્રભાતસિંહ રાયકરણજી જાદવ પોતાના ખેતરના જૂના મકાનમાં પરવાના વગરના હથિયારો છુપાવીને રાખ્યા છે.
પોલીસે બાતમીવાળી જગ્યાએ પંચોની હાજરીમાં દરોડો પાડતા પોલીસને બે બન્દૂક મળી આવી હતી. સિંગલ બેરલ બંદૂક: 1 નંગ (કિંમત રૂ. 5,000) તેમજ ડબલ બેરલ બંદૂક: 1 નંગ (કિંમત રૂ. 5,000)કુલ રૂ.10,000 નો મુદામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે 70 વર્ષીય આરોપી પ્રભાતસિંહ જાદવની ધરપકડ કરી તેમની વિરુદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હથિયારો ક્યાંથી આવ્યા અને કયા હેતુ માટે રાખવામાં આવ્યા હતા તે દિશામાં ડીસા રૂરલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

