ચીફ ઓફિસરે પરવાનગી આપવી તે તેના અધિકારક્ષેત્રનું કાર્ય ગણાવ્યું
પાટણ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સતાપક્ષના કેટલાક નગરસેવકો અને ચિફ ઓફિસર વચ્ચે વહિવટી બાબતોને થઈ રહેલા આક્ષેપો હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સ્વરૂપે પહોચતા ભાજપ સાશિત પાટણ નગરપાલિકાની છબી ખરડાય રહી છે. અને શહેરીજનો પણ તરહ તરહની વાતો સાંભળવા મળી રહી છે. આ મામલે મોવડી મંડળ પણ મુક પ્રેક્ષકની ભૂમિકા અદા કરી રહી હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. પાટણ નગરપાલિકાના સતાધારી ભાજપ પક્ષના છ સભ્યોએ સોમવારે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ચીફ ઓફિસર સામે બીયુ પરમિશન આપવા માટે કથિત ભ્રષ્ટાચાર આચર્ય હોવાના મુદ્દે તપાસની માંગ કરતી અરજી આપવામાં આવતા ભાજપ શાસિત નગરપાલિકા સહિત ભાજપના સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી જવા પામી છે.
પાટણ નગરપાલિકાના પૂવૅ પ્રમુખ સ્મિતાબેન પટેલ,વતૅમાન ઉપપ્રમુખ હીનાબેન શાહ, નગરસેવક શૈલેષ પટેલ, ડો.નરેશ દવે, મનોજ પટેલ સહિતના સતાપક્ષના કેટલાક નગરસેવકોએ પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપેલ લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા શહેરના રેલવે સ્ટેશન નજીક નિમૉણ પામેલ કે. શ્યામ બિલ્ડીંગની ઇમ્પેક્ટ ફી ની મંજૂરી મુદ્દે લેતી દેતી કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા છે. ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ ઓફિસરે પોતાના આર્થિક લાભ ખાતર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને નુકસાન પહોંચાડ્યું હોવાના આક્ષેપો પણ તેઓ દ્રારા કરવામાં આવ્યાં છે.તો કે શ્યામ સ્ક્વેર નામની બિલ્ડીંગને ઇમ્પેક્ટ ફી ના કાયદા હેઠળ ગેરકાયદેસર રીતે મંજૂરી અપાઈ હોવાનું જણાવી આ મામલે તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ભાજપના ઉપરોક્ત નગરસેવકોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈને રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પાટણ નગર પાલિકાના ચિફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે સરકારી પરવાનગીઓ મેળવવી એ જે તે સબંધિત લોકોનો અધિકાર છે. ચીફ ઓફિસરે પરવાનગી આપવી તે તેના અધિકાર ક્ષેત્રનું કાર્ય છે. બંનેના અધિકાર ક્ષેત્ર વચ્ચે કોઈ આવતું હોય તો તે સરકારની વડી કચેરી અથવા તો કોર્ટ છે. પોલીસમાં ખોટી અરજીઓ કરવા વાળાઓના તો અમારી વડી કચેરીના વડા છે, ના તો ન્યાયાધીશ છે. હવે વિવેક યુક્ત પ્રશ્ન એ છે કે તેઓનો રસ કઈ બાબતમાં છે? બી.યુ મેળવનારને હેરાનગતિ કરવામાં ચીફ ઓફિસરની કામગીરીના કારણે વધતી જતી ખ્યાતિને ઓછી કરવામાં? કે પછી ખંડણી મળવાની બંધ થઈ છે તે ચાલુ કરવામાં? પોલીસમાં અરજી કરવા વાળા લોકો પાટણ શહેરના કર્તા હરતાં છે? એમને પૂછ્યા વગર મારાથી બી.યુ કે બાંધકામ પરવાનગી ના આપી શકાય એવી જોગવાઈ છે મારી વહીવટી સત્તાઓ બાબતે પોલીસનું અધિકાર ક્ષેત્ર ક્યારે પહોંચે તે અજ્ઞાનતા વશ અરજદારો મર્કટ સમ હરકત કરી રહ્યા છે. તે બાબતે બીજો એક આશય એવો હોય શકે કે ચૂંટણી પહેલા ચીફ ઓફિસરને રવાના નહીં કરવામાં આવે તો તેમનો ગરાસ લૂંટાઈ જવાનો એ ભય તેમને સતાવે છે તેવા કટાક્ષો ચિફ ઓફિસર દ્વારા કરાયા હતાં.


