ડીસાની પિંક સિટી સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ

ડીસાની પિંક સિટી સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ

મુખ્ય ગેટ પાસે બબ્બે ફૂટ ગંદા પાણી ભરાયા: તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ

ડીસાના રાણપુર રોડ પર આવેલી પિંક સિટી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. કાળઝાળ ગરમીના દિવસો હોવા છતાં સોસાયટીના મુખ્ય દરવાજા પાસે ગટરના ગંદા પાણી ઉભરાઈને બે ફૂટ સુધી ભરાઈ રહેતા આ વિસ્તારમાં કૃત્રિમ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

​સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પર જ ગંદા પાણીનો ભરાવો થતા સ્થાનિકો માટે અવરજવર કરવી દુષ્કર બની ગઈ છે. ખાસ કરીને શાળાએ જતા નાના બાળકો અને વિદ્યાર્થીઓને દરરોજ આ દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે તેમના કપડાં તો બગડે જ છે, સાથે સાથે તેમના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ ઉભું થયું છે. મહિલાઓ અને વડીલો પણ આ ગંદકીના કારણે ઘરની બહાર નીકળતા અચકાઈ રહ્યા છે.​ સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા અંગે ડીસા નગરપાલિકાને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પાલિકાના કર્મચારીઓ ક્યારેક મુલાકાત લે છે અને કામચલાઉ પાણીનો નિકાલ કરીને સંતોષ માની લે છે. પરંતુ આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. પરિણામે, કર્મચારીઓના ગયાના ગણતરીના દિવસોમાં જ ફરી ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહેવા લાગે છે.

​”અમે ટેક્સ ભરીએ છીએ છતાં અમારે ગંદકીમાં જીવવું પડે છે. ગંદકીના કારણે રોગચાળો ફેલાવાનો ડર છે. જો હવે કાયમી નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ​લાંબા સમયથી વેઠવી પડતી આ હાલાકીના કારણે હવે રહીશોનો સંયમ ખૂટ્યો છે. સોસાયટીના લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો નગરપાલિકા દ્વારા સત્વરે ગટર લાઇનનું સમારકામ કરી કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં આક્રમક આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું તંત્ર આ રોષ જોયા પછી જાગે છે કે કેમ ?

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *