ડીસા માર્કેટયાર્ડમાં સૌપ્રથમવાર ચણાની 25 બોરીની આવક નોંધાઈ હજુ આગામી સમયમાં વધુ આવક નોંધાશે
ખેડૂતોને ૧૦૦૦ થી ૧૦૫૦ સુધીના પ્રતિમણના ભાવ મળ્યા
બનાસકાંઠા જિલ્લામાં ૯૪૪ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર નોંધાયું
સામાન્ય રીતે સૌરાષ્ટ્ર અને વઢીયાર પંથકમાં રવિસીઝનના સમયે ચણાની ખેતી જોવા મળતી હતી. પરંતુ ધીરે ધીરે બટાકાનું હબ ગણાતા ડીસા પંથકમાં પણ ચણાની ખેતી થવા લાગી છે. જેના કારણે ડીસા માર્કેટયાર્ડમાં પ્રથમવાર ચણાની આવક નોંધાઈ છે. બૃહદ બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ માં સૌથી વધુ ચણાનું વાવેતર થયું છે. ત્યારે ચાલુ વર્ષે ડીસા પંથકના ખેડૂતોએ પણ ચણાની ખેતી તરફ વળ્યા છે દર વર્ષે રવિ સિઝનમાં બટાકાનું વાવેતર થતું હોય છે. પરંતુ દર વર્ષે બટાકાના ભાવોની અનિશ્ચિતતા ના કારણે ધીરે ધીરે બટાકાનું હબ ગણાતા ડીસા પંથકના ખેડૂતો પણ અન્ય ખેતી તરફ વળ્યા છે.
જેમાં આ વર્ષે ચણાની ખેતી થયેલી જોવા મળી રહી છે જેમાં પાટણ બેલ્ટ વિસ્તારમાં આવતા સાવિયાણા ખરડોસણ આસેડા માણેકપુરા ખરડોસણ ઢુવા ધરપડા સહિતના અનેક ગામોમાં ચણાની ખેતી થઈ હતી. જે પાક પરિપક્વ થતા ખેડૂતો દ્વારા ચણાની પાક લેવાની કામગીરી શરૂ થતા ડીસા માર્કેટયાર્ડમાં પણ ચણાની નવી આવકો નોંધાય છે. જેમાં પ્રથમવાર 25 બોરી જેટલી આવક થવા પામી છે. અને ખેડૂતોને ૧૦૦૦ થી ૧૦૫૦ સુધીના પ્રતિમણના ભાવ મળી રહ્યા હોવાનુ વેપારીઓ જણાવી રહ્યા છે વેપારીઓ મતે આગામી સમયમાં ચણાની આવક વધુ પ્રમાણમાં નોંધાવાની શક્યતા છે, જેને કારણે ડીસા પંથકમાં કૃષિ ક્ષેત્રે નવી દિશા જોવા મળી રહી છે. અત્યાર સુધી બટાકાના હબ તરીકે ઓળખાતો ડીસા પંથક માં રવિ સીઝનમાં ખેડૂતો ચણાની ખેતી તરફ વળી રહ્યા છે. બટાકાના ભાવોમાં રહેલી અનિશ્ચિતતા અને ખર્ચ વધતા ઘણા ખેડૂતોએ વિકલ્પ રૂપે ચણાનું વાવેતર કરતા ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લો ખેતી સાથે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના કારણે ચણાનો પાક ખૂબ ઉપયોગી
આ અંગે કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાની પ્રજા ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. જેના કારણે રવિ સિઝનના વાવેતરમાં ચણા જેવા પાકો ખેતી સાથે પશુપાલન માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. ચણાના ઉત્પાદન સાથે પશુપાલનને ઘાસચારાની પણ વ્યવસ્થા બનતી હોવાના કારણે ખેડૂતો હવે ધીરે ધીરે બટાકાનો વ્યવસાય છોડી ચણાની ખેતી તરફ વળી રહ્યા છે.
ડીસા પંથકના રાજગરાના પાકની ખુબ મોટી માંગ જોવા મળી રહી છે
ડીસાનુ નામ માત્ર બટાકા જ નહી પરંતુ રાજગરાના હબ તરીકે પણ વિશ્વમાં ગુંજી રહ્યું છે. વિશ્વ અને સમગ્ર ભારતમાં રાજગરાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જીલ્લામાં થાય છે. બનાસકાંઠા જીલ્લામાં રાજગરાની 3 લાખ બોરીની આવક નોંધાતી હોય છે જેમાં ડીસા તાલુકાની રાજગરાની ક્વોલિટી સારી હોય છે. તેમજ ડીસાના રાજગરાનો દાણો પણ મોટો હોય છે. જેથી ડીસાના રાજગરાની યુએસ, જર્મની અને અરબના દેશોમાં વધુ માંગ રહેતી હોય છે.

