નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો
(જી.એન.એસ) તા. ૧૮
ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ ને વિકાસ નક્કી કરતું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.
રાજ્ય સરકારનું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું ₹4 લાખ 8 હજાર 53 કરોડનું (₹4,08,053 કરોડ) વિક્રમી અંદાજપત્ર રજૂ.
દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2%
રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક ₹3 લાખ 1 હજાર છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60%થી વધારે છે. જેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
AMC પેન્શનરો અને કર્મચારીઓ માટે મોટા સમાચાર
અમદાવાદ મહાનગર પાલિકા પેન્શનરો અને કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પેન્શરોને મળશે કેશલેસ સારવાર, AMC સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય, SVP હોસ્પિટલમાં મળશે કેશલેસ સારવાર, 24,093 કર્મચારી અને 17,000 પેન્શનરોને લાભ, અત્યાર સુધી સારવાર બાદ ક્લેમ કરવો પડતો હતો
ગુજરાત પોલિસી ડ્રાઈવન સ્ટેટ તરીકેની નીતિઓ જાહેર
પોલિસી ડ્રાઈવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરેલ છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેકટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી, એકશન પ્લાન ફોર ઇમ્પલિમેન્ટેશન ઓફ AI, ઇન્ટીગ્રેડેટ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે.
ગૌમાતા સંવર્ધન માટે 500 કરોડની જોગવાઈ
પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10%થી વધુ લઇ જવાશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. જેના માટે ₹500 કરોડની જોગવાઇ.
SC-ST અને અન્ય અનામત જાતિના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત
આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ₹2160માં ₹340નો વધારો કરી ₹2500 કરવાની જાહેરાત.
મહેસૂલ વિભાગ માટે કુલ ₹5552 કરોડની જોગવાઇ
•કુદરતી આફતો સામે રાહત આપવા ₹૨૧૪૫ કરોડની જોગવાઇ.
•સુરેન્દ્રનગર, મહુધા, માળીયા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવનના બાંધકામ તથા દસક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને ૫૧ તાલુકાઓમાં અંદાજિત પ૬૨ મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે ₹૨૪૦ કરોડની જોગવાઇ.
•વિવિધ મહેસૂલી કચેરીઓ ખાતે ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ.
પૂરક પોષણ યોજના માટે 972 કરોડની ફાળવણી
3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત ₹972 કરોડની જોગવાઇ.
નવી 926 પીએમ શ્રી શાળાઓ શરુ કરાશે
અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ 926 પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે.
સંકલિત શાળાઓ બનાવાશે
‘એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્ય’ના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-10 સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે તે માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું. જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઇ રહેશે. તેના માટે ₹120 કરોડની જોગવાઇ.
નમો સેન્ટ્રલ લાઈબ્રેરી બનાવાશે
ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં ₹100 કરોડની જોગવાઇ. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવામાં આવશે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની જોગવાઈ
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના પ્રવેશમાં રસ વધ્યો છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં કુલ પ્રવેશમાં 19% જેટલો વધારો થયો છે. જેના માટે ₹250 કરોડની જોગવાઇ.
મોટા શહેરોમાં સ્ટાર્ટઅપ માટે I-HUb સ્થપાશે
રાજ્ય સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે. સ્ટાર્ટઅપ માટે i-Hub અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે i-Hubના રીજનલ સેન્ટર સ્થાપવામાં આવશે. જેના માટે ₹80 કરોડની જોગવાઇ.
દિવ્યાંગજનો માટે મોટી જાહેરાત
દિવ્યાંગજનને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ એલાઉન્સ આપવા તેમજ અન્ય સુવિધાઓ માટે જોગવાઈ.
ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ₹429 કરોડની જોગવાઇ
ગુજરાતે ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ લોન્ચ કરી દેશમાં ક્લાઇમેટ સૂચકાંકો સંબંધિત માહિતી જિલ્લા સ્તરે પ્રદર્શિત કરતું પોર્ટલ બનાવનાર દેશના પ્રથમ રાજ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરેલ છે.
•સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે ₹૨૭૮ કરોડની જોગવાઇ.
•બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી પર સબસિડી આપવા ₹૧૬ કરોડની જોગવાઇ.
•ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે જેવી ૭૦ જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ₹૧૨ કરોડની જોગવાઇ.
VB-G RAM G માટે 1500 કરોડની ફાળવણી
– VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં કામના દિવસો 100થી વધારી 125 કરવામાં આવેલ છે. જેના માટે કુલ ₹1500 કરોડની ફાળવણી.
શિષ્યવૃત્તિ માટે 5967 કરોડની ફાળવણી
– ગુજરાતની વસ્તીમાં 36% કરતા વધુ યુવા છે. તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને ₹5967 કરોડની શિષ્યવૃત્તિ માટેની ફાળવણી.
આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે 360 કરોડની જોગવાઈ
રાજ્ય સરકાર દ્વારા 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધાર સ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી બે હજાર આંગણવાડીઓના નિર્માણ માટે ₹360 કરોડની જોગવાઇ.
નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ
નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે. જેના માટે ₹1250 કરોડની જોગવાઇ.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે મોટી ફાળવણી
વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. જેના માટે ₹2848 કરોડની જોગવાઇ.
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹452 કરોડની જોગવાઇ
•ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ અંતર્ગત ગુજરાતી ચલચિત્રોને સહાય ચૂકવવા ₹૨૩ કરોડની જોગવાઇ.
•રાજ્યના રાજકીય-સામાજિક ઈતિહાસને દર્શાવતા અખબારો અને પુસ્તકોના ડિજિટાઈઝેશન માટે જોગવાઇ.
•અંતરિયાળ વિસ્તારોમાંથી મુખ્ય મથકોએ ઝડપથી સમાચાર મોકલી શકાય તે હેતુથી પ્રાયોગિક ધોરણે મોબાઇલ જર્નાલિઝમ (MOJO) કીટ પૂરી પાડવામાં આવશે.
GIDC માટે મોટી જાહેરાત
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને આગળ વધારતાં આગામી સમયમાં 25 જી.આઇ.ડી.સી.ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે. જેમાં ₹1250 કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ₹50 કરોડના રોકાણથી 120 મીની GIDCના નવીનીકરણનું આયોજન છે.
પાંચ નવી GIDC બનશે
રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે.
ખેડૂતો માટે 1565 કરોડની ફાળવણી
– ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹1565 કરોડની જોગવાઇ.
– વધુમાં વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટીફિકેશન સહાય માટે ₹39 કરોડની જોગવાઇ.
– રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે ₹12 કરોડની જોગવાઇ.
કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ વ્યાજ સહાય માટે મોટી જાહેરાત
ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા ₹1539 કરોડની જોગવાઇ કરવામાં આવી.
4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરાશે
સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે. જેમાં અનાજ સંગ્રહથી લઇને રાજ્યના 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે. જેના માટે ₹112 કરોડની જોગવાઇ.
બે એક્સપ્રેસ વે માટે વધુ 3000 કરોડની જોગવાઈ
રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એકસપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ ₹3000 કરોડની જોગવાઇ કરું છું. આ પ્રોજેકટ સંસ્કૃતિ અને પ્રવાસનનો સંગમ ધરાવતો હાઇવે બની રહેશે.
ધોલેરા માટે મહત્ત્વની જાહેરાતો
ધોલેરા અને સાણંદ ખાતે વિકસતા સેમીકોન હબ ગુજરાતને Chip ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના નકશામાં મહત્ત્વનું સ્થાન પ્રદાન કરી રહ્યાં છે. જે ભારતની સેમીકોન આત્મનિર્ભરતાનો મુખ્ય આધારસ્તંભ બનશે. ધોલેરા SIR ખાતે ફેઝ-1 હેઠળ લોજિસ્ટિક એન્ડ ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં, ધોલેરા એરપોર્ટ, આધુનિક માર્ગો, પાણી અને વેસ્ટવોટર ટ્રીટમેન્ટ, અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ તથા સ્માર્ટ ICT સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જેનાથી ધોલેરા ભવિષ્યના ઉદ્યોગ, નવીનતા અને રોજગારનું વૈશ્વિક કેન્દ્ર બનશે. જેના માટે વિકસિત ગુજરાત ફંડ સહિત કુલ ₹610 કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી જન આરોગ્ય-મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના) માટે 3472 કરોડની ફાળવણી
‘પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)’ યોજના હેઠળ 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કરાયો છે. જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે. આ યોજના માટે ₹3472 કરોડની જોગવાઇ.
ઊર્જા સંરક્ષણ યોજના માટે ₹100 કરોડની જોગવાઇ
•આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુકત વીજળી પૂરી પાડવા જનજાતિય કલ્યાણ યોજના હેઠળ ₹૨૦૧ કરોડની જોગવાઇ.
•પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
•રસ્તાઓના વિસ્તૃતિકરણ વખતે અડચણરૂપ હયાત ટ્રાન્સમીશન લાઇન અને સંલગ્ન વીજમાળખાનું શિફટીંગ કરવા માટે ₹૧૨૫ કરોડની જોગવાઇ.
•રાજ્યના યાત્રાધામોમાં સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે હેતુ ગ્રીન અને વીજસલામત ઝોન વિકસિત કરવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.
•હાલના ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ
મત્સ્ય ઉદ્યોગ માટે પણ મોટી જાહેરાત
રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે ₹1340 કરોડની જોગવાઇ.
ટેક્સટાઈલ ઉદ્યોગ માટે મોટી જાહેરાત
રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે “ગુજરાત ટેક્સટાઇલ પોલિસી” અંતર્ગત ₹67 હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયેલ છે. જેને લીધે બે લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે ₹2755 કરોડની ફાળવણી.
ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરાશે
રાષ્ટ્રની માલસામાન નિકાસમાં 26% થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GEPC)ની સ્થાપના કરવાની જાહેરાત.
હસ્તકલા માટે મોટો નિર્ણય
રાજ્ય સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે “વોકલ ફોર લોકલ”ની પહેલ હેઠળ તમામ જિલ્લાઓનાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથશાળ-હસ્તકલાના અને ગ્રામોદ્યોગના 90 જેટલા ઉત્પાદનોને “એક જિલ્લો, એક ઉત્પાદન” અંતર્ગત પસંદ કરવામાં આવ્યાં છે. આ ચીજવસ્તુઓ તૈયાર કરનાર કારીગરોને તેના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.
MSME માટે ₹1775 કરોડની જોગવાઇ
દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત MSME (નાના અને મધ્યમ ઉદ્યોગ) ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ MSME રજીસ્ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્યોની સૂચીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે ₹1775 કરોડની જોગવાઇ.
દરેક ઘરે શુદ્ધ પાણી પહોંચાડવા 100 કરોડની ફાળવણી
ઘર સુધી નિયમિત ગુણવત્તાયુકત પાણી પહોંચાડવું એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન-દૈનિક પાણી પુરવઠો- “જીવન ધારા” અમલમાં મૂકવામાં આવશે. જેના માટે ₹100 કરોડની જોગવાઇ.
ગુજરાતને ડમ્પ ફ્રી રાજ્ય બનાવવાનો પ્લાન
ગુજરાત “ડમ્પ ફ્રી” રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત 253 લાખ મેટ્રીક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક રીતે દૂર કરેલ છે. તેમજ બાકી રહેતી તમામ સાઇટને ડમ્પ ફ્રી કરી તેનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવાનું આયોજન છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5600 કરોડની ફાળવણી
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને તેના પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રખરખાવ તથા કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જે માટે ₹5600 કરોડની જોગવાઇ.
‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ માટે 800 કરોડની ફાળવણી
રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે 1155 કિ.મી. લંબાઈના રસ્તાઓને ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ તરીકે ઘોષિત કર્યા છે. જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે. જેના માટે ₹800 કરોડની જોગવાઇ.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 236 કરોડની જોગવાઈ
વિશ્વના આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ઉભરી આવ્યું છે. જેના કારણે પરિવહન, હોસ્પિટાલિટી અને હસ્તકળા જેવા ક્ષેત્રોમાં રોકાણને મોટો વેગ મળ્યો છે. જેણે સ્થાનિક આદિવાસી સમુદાય માટે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે ₹236 કરોડની જોગવાઇ .
“અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન” જાહેર
અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે “અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન” અંતર્ગત ₹300 કરોડની જોગવાઇ.
ભક્તો માટે મોટી જાહેરાતો
પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અને માઁ નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડની જોગવાઇ.
સોમનાથ અને શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આકર્ષક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યાં છે. તેમજ વિસાવડા-પોરબંદર ખાતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા કુલ ₹60 કરોડની જોગવાઇ.
રાજ્યના પવિત્ર યાત્રાધામ સોમનાથ અને અંબાજી ખાતે આઇકોનિક બસ સ્ટેશન તેમજ અન્ય સ્થળોએ બસ સ્ટેશન બનાવવામાં આવશે અને સોમનાથ મુકામે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબના ધોરણે અદ્યતન સુવિધા ધરાવતું બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવશે. જેના માટે 447 કરોડની ફાળવણી.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹4842 કરોડની જોગવાઇ
કિસાન સૂર્યોદય યોજના મારફત ખેડૂતો માટે દિવસના સમયે વીજ પુરવઠો આપી શકાય તે સુનિશ્ચિત કરી રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતાં કુલ ૧૭ હજાર ૨૪૯ ગામોમાં આવેલ ખેતી આધારિત કુલ ૨૦ લાખ ૮૫ હજાર વીજગ્રાહકો પૈકી ૧૭ હજાર ૫૨ ગામોમાં ૧૯ લાખ ૯ હજાર વીજગ્રાહકોને દિવસે વીજળી આપવામાં આવી રહેલ છે.
•આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે ₹૧૧૬૬ કરોડની જોગવાઇ.
•ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ.
•સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે ₹૩૫૦ કરોડની જોગવાઇ.
કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹979 કરોડની જોગવાઇ
•”વાજપાઈ બેંકેબલ યોજના” હેઠળ સબસિડી સહાય માટે ₹૪૯૪ કરોડની જોગવાઇ.
•ખાદી સંસ્થા/મંડળીઓને વિવિધ સ્થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા ₹૫૭ કરોડની જોગવાઇ.
•One District One Product(ODOP) ઉત્પાદનોને પ્રોત્સાહન મળી રહે તે માટે
₹૨૫ કરોડની જોગવાઇ.
•કુટિર પ્રભાગના પરંપરાગત કારીગરોને આધુનિક ડિજિટલ માર્કેટ સાથે જોડી તેમની આવક વધારવાના હેતુથી ઇ- કોમર્સ માટે સહાય.

