ડમ્પરોથી થતાં અકસ્માત રોકવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી
પાટણ B ડિવિઝન પોલીસે ઓવરલોડ અને બેફામ ગતિએ દોડતા 16થી વધુ ડમ્પરોને ડિટેઇન કર્યા છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં અકસ્માતોની વધતી ઘટનાઓને રોકવા માટે પોલીસે આ કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરમાં બેફામ ડમ્પરોને કારણે અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને,પાટણ B ડિવિઝન પોલીસે અકસ્માત નિવારણ માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી હતી. પોલીસ ટીમો દ્વારા શહેરના વિવિધ માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન, ક્ષમતા કરતાં વધુ માલસામાન ભરીને પસાર થતા 16થી વધુ ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ ડમ્પરો પાસે જરૂરી દસ્તાવેજો અને ઓવરલોડ અંગે તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ, તેમને પોલીસ મથકે લાવી ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે ડમ્પર માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
મોટી સંખ્યામાં ડમ્પરો પકડાતા B ડિવિઝન પોલીસ મથક પરિસરમાં ડમ્પરોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસ વિભાગે જણાવ્યું છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા અને નાગરિકોના જીવ જોખમમાં મૂકતા વાહનચાલકો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.હાલમાં, ડિટેઇન કરાયેલા તમામ ડમ્પરો સામે આરટીઓ એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


