51 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડી શુભ સંસારની કરશે શરૂઆત, સમાજ બંધુઓને પધારવા આમંત્રણ
ડીસા તાલુકાના માલગઢ ગામમાં માળી સમાજનો 25મો (રજત જયંતિ) સમૂહ લગ્ન મહોત્સવ તા. 6 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ભવ્ય રીતે યોજાનાર છે. આ પ્રસંગને લઈને માળી સમાજમાં ઉત્સાહપૂર્ણ માહોલ સાથે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરબડી (ક્રાંતિનગર) સ્થિત મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા ખાતે યોજાનારા આ મહોત્સવમાં કુલ 51 નવદંપતિઓ એક સાથે પ્રભુતામાં પગલાં માંડી પોતાના શુભ સંસારની શરૂઆત કરશે.
માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ–ડીસા દ્વારા આયોજિત આ રજત જયંતિ મહોત્સવ સમાજની એકતા, સહકાર અને પરંપરાનું ઉત્તમ ઉદાહરણ બનશે. સમૂહ લગ્નના મુખ્ય યજમાન તરીકે છોગાજી લુંબાજી ગેલોત (માળી) ના હસ્તે શામળદાસ છોગાજી ગેલોત (માળી) ગોળવાળા દાસ પરિવાર બિરાજમાન થયા છે. જ્યારે ભોજન દાતા તરીકે હીરાબેન ગીગાજી સવાજી ટાંક (માળી) પરિવાર તથા ગેરોબેન મોટાજી કચ્છવા (માળી) પરિવારે લ્હાવો લીધો છે.
આ પ્રસંગે પરમ પૂજ્ય ગૌભક્ત દિયોદરના સિસોદરાના છોગારામજી બાપુ નવદંપતિઓ તથા દાતાઓને આશીર્વચન પાઠવશે. માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ–ડીસા તેમજ ગુજરાત રાજ્યના વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી પ્રવિણભાઈ જી.માળી દ્વારા સમગ્ર માળી સમાજને પધારવા અને સમૂહ ભોજન પ્રસાદનો લાભ લેવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.

