T20 વર્લ્ડ કપ 2026 માટે 3 ફેબ્રુઆરીના રોજ ત્રણ વોર્મ-અપ મેચ રમાઈ હતી. દિવસની પહેલી મેચમાં શ્રીલંકા A ટીમને અપસેટનો સામનો કરવો પડ્યો હતો, જેમાં તેને ઓમાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દિવસની બીજી મેચમાં ઝિમ્બાબ્વેએ નેધરલેન્ડ્સને હરાવ્યું હતું. દિવસની ત્રીજી મેચમાં નેપાળે રોમાંચક મુકાબલામાં UAEને હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં ઓમાન, ઝિમ્બાબ્વે અને નેપાળ ત્રણેય ટીમોની શરૂઆત સારી રહી છે.
દિવસની પહેલી મેચ શ્રીલંકાના કોલંબો ક્રિકેટ ક્લબ ખાતે રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકા A ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 9 વિકેટ ગુમાવીને 145 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી દુલ્નિથ સિગેરાએ 20 રન બનાવ્યા હતા, જ્યારે વાનુજા સહાને 29 રન બનાવ્યા હતા. જવાબમાં ઓમાને 18 ઓવરમાં 146 રન બનાવીને 5 વિકેટથી જીત મેળવી હતી. આમિર કલીમે 47 બોલમાં 3 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 80 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો, જ્યારે વિનાયકે 24 બોલમાં 39 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ મેચમાં શ્રીલંકાને હરાવીને ઓમાને વિશ્વ ક્રિકેટને આશ્ચર્યચકિત કરી દીધું છે.
ઝિમ્બાબ્વેએ પુરુષોની T20 વર્લ્ડ કપ 2026 ની પ્રેક્ટિસ મેચ નેધરલેન્ડ્સ સામે 29 રનથી જીતી લીધી. આ ટીમ માટે રાયન બર્લે 31 બોલમાં તોફાની અડધી સદી ફટકારી. ટોસ જીતીને બેટિંગ કરવા આવેલા ઝિમ્બાબ્વેએ 9 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા. ઝિમ્બાબ્વે માટે રાયન બર્લે અડધી સદી ફટકારી. તે 31 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો. ડીયોન મેયર્સે 14 બોલમાં 32 રનની ઇનિંગ રમી. જવાબમાં, નેધરલેન્ડ્સ ટીમ 149 રનમાં સમેટાઈ ગઈ. કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટીમના ખાતામાં 26 રનનું યોગદાન આપ્યું, જ્યારે લોગન વાન બીકે અણનમ 40 રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત તરફ દોરી શક્યો નહીં.
દિવસની ત્રીજી અને છેલ્લી મેચમાં નેપાળે યુએઈ સામે 7 વિકેટથી વિજય મેળવ્યો. પ્રથમ બેટિંગ કરતા યુએઈની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 145 રન બનાવ્યા. ટીમ માટે હર્ષિત કૌશિકે 35 રન અને સોહેબ ખાને 38 રનનું યોગદાન આપ્યું. જવાબમાં નેપાળની ટીમે 17 ઓવરમાં 148 રન બનાવીને મેચ જીતી લીધી. ટીમ માટે દિપેન્દ્ર સિંહ અરીએ 31 બોલમાં 50 રન બનાવ્યા. જ્યારે આરિફ શેખે 37 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ રમી. ટીમને વિજય અપાવ્યા બાદ બંને ખેલાડીઓ અણનમ રહ્યા હતા.

