પાલનપુર સરકારી વસાહતના દરવાજા પાસે કચરાના અસહ્ય દુર્ગંધથી લોકો ત્રાહીમામ

પાલનપુર સરકારી વસાહતના દરવાજા પાસે કચરાના અસહ્ય દુર્ગંધથી લોકો ત્રાહીમામ

જ્યાં ગંદવાડ ત્યાં મંદવાડના બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા

પાલનપુરના લાલ બંગલાથી લક્ષ્મીપુરાને જોડતા માર્ગ ઉપર આવેલ સરકારી વસાહતના દરવાજાની બાજુમાં કચરાના ઢગલામાં મૃત શ્વાન ફેંકાતા મુખ્ય રોડ પર દુર્ગંધ અસહ્ય થઈ પડી છે. જેથી નગરપાલિકાના સેનિટેશન વિભાગની ગંભીર અને નીંદનીય બેદરકારી સામે આવી છે.

પાલનપુર શહેરમાં સ્વચ્છતાના દાવાઓ ફરી એક વખત પોકળ સાબિત થયા છે. વર્ષે 12 કરોડ કરતા વધુ ખર્ચો કરવા છતાં શહેરની નર્કાગાર જેવી સ્થિતિનો ભોગ નગરજનો બની રહ્યાં છે. સરકારી વસાહતના મુખ્ય દરવાજા આગળ અગાઉ વર્ષોથી ચાલતું કચરાનું સ્ટેન્ડ દૂર કરવાના આશયથી નગરપાલિકાએ લાખો રૂપિયા ખર્ચ કરી ઓટલો બનાવી ત્યાં લોકો બેસી શકે તેવા બાંકડા બનાવવામાં આવ્યા હતા. સાથે જ  “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”, “ગંદવાડ ત્યાં મંદવાડ” જેવા બોર્ડ લગાવી વિસ્તારને કચરામુક્ત  બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ  આટલા ખર્ચા કર્યા બાદ પણ નગરજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કચરાના ઢગલામાં જાહેર રોડની બાજુમાં મૃત શ્વાન પડેલું રહેતાં સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. બાંકડાઓ પર બેસવાની વાત તો દૂર રહી, લોકો ત્યાંથી પસાર થવામાં પણ સંકોચ અનુભવી રહ્યા છે. તેથી સ્વચ્છતાના બોર્ડ માત્ર દેખાવ પૂરતા હોવાનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે.

જાહેર માર્ગ અને  સરકારી વસાહતનો દરવાજો હોવાથી ત્યાંથી દિવસ દરમિયાન કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકોની રોજબરોજ ભારે અવરજવર રહે છે. આવી જગ્યાએ  મૃત પશુ પડી રહેતા સેનિટેશન વિભાગની ગંભીર, બેદરકારી અને બેફિકર કામગીરી દર્શાવે છે. દુર્ગંધના કારણે આસપાસના રહેવાસીઓએ બારી-દરવાજા બંધ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ગંદકી અને દુર્ગંધથી મચ્છર, માખી અને જીવાતો વધતા રોગચાળો ફેલાવાની ભીતિ પણ વધી છે. પાલનપુર શહેરમાં જાહેરમાં કચરા સ્ટેન્ડ દૂર કરી ગંદકી દૂર કરવા લોકમાંગ ઉઠી રહી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *