ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામે રહેતા અને વી.જે.પટેલ શાકમાર્કેટમાં શાકભાજીનો વેપાર કરતાં તારાજી પ્રતાપજી માળીએ તેમના ગામ પાસે આવેલા મોરથલ ગોળીયા ગામના હીરાભાઈ દેવાજી સોલંકી સાથે સંબંધ હોવાથી શાકભાજીની ખરીદી કરતા હતા અને વ્યાપારિક સંબંધો સ્થાપિત કર્યા હતા. જોકે શાકભાજીની ખરીદી પેટે ફરિયાદી તારાજીને આરોપી હીરાભાઈ પાસેથી 4,64,623 રૂપિયા લેવાના નીકળતા હોઈ આરોપીએ તારાજી ને રૂ.4,40,000 આઇડીબીઆઈ બેન્ક ડીસા શાખાનો ચેક આપ્યો હતો. જે ચેક 9 .9.2022 ના રોજ બેંકમાં જમા કરાવી પૈસા ઉપાડી લેવા માટે ફરિયાદીને આશ્વાસન આપ્યું હતું.
ફરિયાદી તારાજી જ્યારે આ બેંકમાં ચેક નાખતા ક્લીયરિંગમાં આ ચેક ગયેલ. પરંતુ આરોપીના ખાતામાં પૂરતી બેલેન્સ ન હોવાના કારણે ચેક પરત ફરેલ. જેથી ફરિયાદી તારાજી પ્રતાપજી માળીએ પોતાના વકીલ એસ આઈ.સાંખલા મારફત ઘી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ડીસા તાલુકાના મહેરબાન એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં કેસ દાખલ કરેલ. જે કેસમાં વકીલ એસ.આઈ.સાંખલાની દલીલોને ધ્યાનમાં રાખી જજ માહિરશાદ નૌશાદહુસેન સૈયદે આરોપી હીરાભાઈ દેવાજી સોલંકીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો અને રૂ.4,40,000 બે માસની મુદતમાં ચૂકવી દેવા હુકમ કર્યો હતો અને ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ. સાથે આરોપી નામદાર અદાલતમાં હાજર ના હોઇ આરોપી વિરુદ્ધ સજાના અમલ માટે વોરંટ કાઢવાનો હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.જોકે આ કોર્ટના ચુકાદાથી કોર્ટમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.

