ડીસા-પાલનપુર હાઈવે પર બેંક ઓફ બરોડા સામેના ભાગેથી પસાર થઈ રહેલા એક દંપતીને બાઈક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈવાડા ગામના દંપતીને નાની-મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, દાંતીવાડા તાલુકાના બાઈવાડા ગામના વતની પીરાભાઈ ખેતાભાઇ મોદી (ઉં.વ. 55) અને તેમના પત્ની ચંદાબેન પીરાભાઈ મોદી ડીસા-પાલનપુર હાઈવે પર આવેલી બેંક ઓફ બરોડા સામેના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પીરાભાઈ મોદીને શરીરે વધુ ઈજાઓ થઈ હતી, જ્યારે તેમના પત્ની ચંદાબેનને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા પાયલોટ અને ઈમરજન્સી ટેકનિશિયને ઘટનાસ્થળે પહોંચી બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

