આર્કટિક ક્ષેત્રમાં રશિયા અને ચીનના વધતા પ્રભાવથી ઉભા થયેલા જોખમોનો સામનો કરવા માટે બ્રિટને નાટો સાથી દેશો સાથે વાતચીત શરૂ કરી છે. બ્રિટિશ સરકારના એક મંત્રીએ રવિવારે પુષ્ટિ આપી હતી કે વ્યૂહાત્મક ક્ષેત્રમાં સુરક્ષા વધારવા માટે સહયોગી દેશો સાથે સક્રિય ચર્ચા ચાલી રહી છે.
બ્રિટિશ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઈડી એલેક્ઝાંડરે જણાવ્યું હતું કે આ વાટાઘાટો એક સામાન્ય પ્રક્રિયાનો ભાગ હતી અને ગ્રીનલેન્ડ અંગે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ટિપ્પણીઓની પ્રતિક્રિયા તરીકે તેને દર્શાવવાનો ઇનકાર કર્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેઓ ગ્રીનલેન્ડને હસ્તગત કરવા માટે એક સોદો કરવા માંગે છે જેથી રશિયા કે ચીન તેને કબજે ન કરી શકે. ટ્રમ્પે કહ્યું, “અમે ગ્રીનલેન્ડ વિશે કંઈક કરીશું, ભલે તેમને તે ગમે કે ન ગમે.”
લગભગ 57,000 ની વસ્તી ધરાવતું ગ્રીનલેન્ડ ડેનમાર્ક દ્વારા સુરક્ષિત છે, જેની સેના અમેરિકા કરતા ઘણી નાની છે, જોકે આ ટાપુ પર અમેરિકન લશ્કરી થાણું છે. ડેનિશ વડા પ્રધાને ચેતવણી આપી છે કે જો અમેરિકા ગ્રીનલેન્ડને પોતાનામાં ભેળવી દેશે તો નાટો માટે ખતરો ઉભો થશે.
ટ્રમ્પ વહીવટીતંત્રે ગ્રીનલેન્ડ સામે પોતાની ચેતવણીઓનું પુનરાવર્તન કર્યું ત્યારથી અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકામાં ડેનિશ રાજદૂત જેસ્પર મોલર સોરેનસેને નવા નિયુક્ત યુએસ ગ્રીનલેન્ડ રાજદૂત જેફ લેન્ડ્રી પર વળતો પ્રહાર કર્યો, જેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, “બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જ્યારે ડેનમાર્ક ગ્રીનલેન્ડની સાર્વભૌમત્વનું રક્ષણ કરી શક્યું નહીં, ત્યારે અમેરિકાએ તેનું રક્ષણ કર્યું.” સોરેનસેને જવાબ આપ્યો કે ડેનમાર્ક હંમેશા અમેરિકાની સાથે ઊભું રહ્યું છે, ખાસ કરીને 11 સપ્ટેમ્બર, 2001 ના હુમલા પછી, અને ગ્રીનલેન્ડના લોકોએ તેમનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ. “ચાલો સુરક્ષાના મુદ્દા પર ચર્ચા ચાલુ રાખીએ,” તેવું તેમણે લખ્યું. “આર્કટિકમાં ભાગીદારો અને સાથી તરીકે પડકારો, તેવું સોરેનસેને લખ્યું હતું.
ડેનિશ અધિકારીઓ આ અઠવાડિયે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મુલાકાત કરી રહ્યા છે. હેઈડી એલેક્ઝાંડરે કહ્યું કે બ્રિટન ટ્રમ્પ સાથે સંમત છે કે રશિયા અને ચીન આર્ક્ટિક સર્કલમાં વધુને વધુ સ્પર્ધાત્મક બની રહ્યા છે. “જોકે આપણે વિશ્વના તે ભાગમાં યુક્રેન જેવા વિનાશક પરિણામો જોયા નથી, તે ખરેખર મહત્વપૂર્ણ છે કે આપણે આપણા બધા નાટો સાથીઓ સાથે મળીને શક્ય તેટલું બધું કરીએ, જેથી આપણી પાસે વિશ્વના તે ભાગમાં (રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર) પુતિન સામે અસરકારક પ્રતિરોધક હોય,” એલેક્ઝાંડરે બીબીસીને જણાવ્યું હતું.

