૧૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજો પતંગ ઉડાવશે
મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬નું ભવ્ય અને ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવ તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૬, સવારે ૧૦ કલાકે પતંગબાજોના વિવિધ આકારની રંગીન પતંગો અને આકાશ આંબતા ઉત્સાહ સાથે પ્રારંભ થશે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ, તેમજ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવશે. આ પતંગોત્સવમાં યુ.કે., વિયેતનામ, ટ્યુનિશિયા, રશિયા, ફિલીપીન્સ, મોરેશિયસ, મલેશિયા, કોરિયા, જોર્ડન, ઇન્ડોનેશિયા, ગ્રીસ, ફ્રાન્સ, આર્જેન્ટિના, કંબોડિયા અને અલ્જીરીયા દેશના ૧૦૦ જેટલા પતંગબાજો ભાગ લેશે.જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વિશાળ આકાશમાં ઉડતા વિશિષ્ટ પતંગો મહોત્સવને એક અલગ જ રંગ, ઉત્સાહ અને રોમાંચ આપશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગ પ્રદર્શન, વિવિધ આકારના વિશાળ અને કલાત્મક પતંગોની પ્રદર્શની, લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યટનને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે. વડનગર માટે આ પતંગ મહોત્સવ આનંદ અને ઉત્સાહનું પર્વ સાબિત થશે.

