વ્હાલા દવલાની નીતિ અપનાવી કેટલાક માલતુંજાર ના પ્લોટ બચાવાતા હોવાની રાવ : પાલિકા તેમજ નાયબ કલેક્ટરને રજૂઆત
ડીસા શહેરના સત્યમ ડેરીથી શુભમ પાર્ટી પ્લોટ તરફ જતા માર્ગ પર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી રસ્તાની કામગીરીને લઈ વિવાદ સર્જાયો છે. નવીન બની રહેલો આ રસ્તો એન્ટ્રીના ભાગે અત્યંત સાંકડો કરી દેવાતા આ વિસ્તારની અંદાજે અડધો ડઝનથી વધુ સોસાયટીના રહીશોએ પાલિકા ચીફ ઓફિસર તેમજ નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી કામગીરી યોગ્ય રીતે કરવા માંગ કરી છે.
સ્થાનિકો ની રજૂઆત અનુસાર, સ્વામીનારાયણ સોસાયટી, મંડોરા પાર્ક, કૃષ્ણ વિલા, ગ્રીન સીટી, સાર્થક બંગ્લોઝ અને બાલાજી બંગ્લોઝ જેવા રહેણાંક વિસ્તારોમાં આવવા-જવાનો આ એક માત્ર મુખ્ય માર્ગ છે. નગરપાલિકા દ્વારા અહીં રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ શુભમ પાર્ટી પ્લોટની એન્ટ્રી પોઈન્ટ પર જ રસ્તો સાંકડો કરી દેવામાં આવ્યો છે. આ રોડ ઉપર બે સ્કૂલ પણ આવેલી હોવાથી નાના બાળકો અને વાહનચાલકો માટે ટ્રાફિકની સમસ્યા તેમજ અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે.જોકે સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે કે અહીંથી અવરજવરમાં તકલીફ ન પડે તે માટે રોડ ની મુખ્ય એન્ટ્રી પાસેથી રસ્તો યોગ્ય રીતે પહોળો કરવો.આ ઉપરાંત ફુટપાથનું નિર્માણ કરી રાહદારીઓ અને ખાસ કરીને શાળાએ જતા બાળકોની સુરક્ષા માટે નિયમ મુજબ રસ્તાની બંને બાજુ ફુટપાથ બનાવવાની માંગ કરી હતી આ ઉપરાંત ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેવું આયોજન કરવું જોઈએસ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો રસ્તો પહોળો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર કરી આંદોલન કરવામાં આવશે.

