કેબલ સ્ટેડ શરૂ થશે, માર્ચમાં ડમ્પિંગ સાઇટ ફ્રી થશે, કુડાસણનું તળાવ વિકસાવાશે
(જી.એન.એસ),તા.૦૧
ગાંધીનગર
2026નું વર્ષ શહેરના લોકો માટે નવી આશા, આનંદ અને સુખદાયી જીવનની નવી ઉર્જા લઇને આવી રહ્યું છે. ગાંધીનગર ગ્રીન, ક્લીન અને બ્યુટી માટે જાણીતું છે હવે તે સુવિધાસભર શહેરોની હરોળમાં ઊભું રહેશે. 2026માં શહેરના લોકોને નવો ગ્રીન રીંગ રોડ, કેબલ સ્ટેડ બ્રિજ, 24 કલાક પીવાના પાણીની સુવિધા મળવા જઇ રહી છે.
મેટ્રો રેલ સેવા સંપૂર્ણ રૂટ પર શરૂ થવાની છે સાથે લોકલ ટ્રાન્સપોર્ટેશનની શ્રેષ્ઠ સુવિધા ઇ- બસના સ્વરૂપે મળશે. આનંદ પ્રમોદ માટે ગાર્ડન, તળાવ સહિતની સુવિધા આ વર્ષમાં મળતી થઇ જશે. શ્રેષ્ઠ આઇકોનિક માર્ગો- હેરિટેજ પ્રવાસન સ્થળોની સાથે આરોગ્યની સર્વશ્રેષ્ઠ સુવિધા ઘરઆંગણે મળશે. સરકારી તંત્રોએ હાથ ધરેલી કવાયત શહેરીજનોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરશે.
આરોગ્ય સુવિધાઃ સિવિલમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
સ્થિતિ: મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનુ સિવિલ વર્ક અંતિમ તબક્કામાં છે, તે પછી ઇન્ટિરિયર અને આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ ગોઠવાશે જેમાં 6 મહિનાનો સમય લાગશે.
ઇનસાઇટ: ગાંધીનગરમાં પ્રથમવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર થઇ રહી છે. જેનું રાષ્ટ્રપતિના હસ્તે ખાતમુહૂર્ત થયું હતું. આ હોસ્પિટલ ગાંધીનગર જિલ્લા ઉપરાંત ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે સૌથી ઉપયોગી પુરવાર થશે. હાલ દર્દીઓને આ પ્રકારની સારવાર માટે અમદાવાદ જવું પડે છે.
પીવાના પાણીની સુવિધાઃ 24 કલાક પાણીની યોજના
સ્થિતિ: હાલ 4 મહિનાથી ટ્રાયલ રન ચાલી રહ્યો છે, જાન્યુઆરીથી સત્તાવાર શરૂ થવાની શક્યતા.
ઇનસાઇટ: ગાંધીનગરના સેક્ટર વિસ્તારને નર્મદાનું પાણી આપવા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 280 કરોડના ખર્ચે આ યોજના હાથ ધરાઇ છે. ભારે વિલંબ થયા બાદ આખરે માળખુ તૈયાર થયું છે. જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીમાં મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણની જવાબદારી સ્વીકારવાની સાથે 24 કલાક નર્મદાનું પાણી મળતું થશે. શહેરના કુલ 30 હજારથી વધુ ઘરોને આવરી લેવાશે.
પરિવહન સુવિધા સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવા
સ્થિતિ: ગાંધીનગરમાં મેટ્રોનો અંતિમ તબક્કાનું ટ્રેકનું કામ પૂર્ણ થઇ ગયું છે હાલ મેટ્રો સ્ટેશનનું ફિનિશિંગ ચાલી રહ્યું છે, 10- 11 જાન્યુઆરીએ વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થવાની શક્યતા.
ઇનસાઇટ: આ લોકાર્પણ સાથે જ ગાંધીનગરમાં મેટ્રો સંપૂર્ણ રૂટ પર દોડતી થઇ જશે. પ્રથમ તબક્કો સપ્ટેમ્બર 2024માં સેક્ટર-1 સ્ટેશન અને ગિફ્ટ સિટી સુધી શરૂ કરાયો હતો. તે પછી રૂટ સચિવાલય સુધી લંબાવાયો હતો. હવે સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો રૂટ તૈયાર થઇ જતા અમદાવાદ- ગાંધીનગર વચ્ચે મેટ્રોની કનેક્ટિવિટી વધશે.
100 ઇલેક્ટ્રિક બસોની શહેરી બસ સર્વિસ
સ્થિતિ: 50 બસો ટૂંક સમયમાં મળશે, સંચાલન માટે એસપીવી બની છે, હડમતીયા ખાતે ઇ-બસ ડેપોનું કામ પૂર્ણ.
ઇનસાઇટ: ગાંધીનગરમાં શહેરી વિસ્તારમાં આંતરિક સિટી બસ સર્વિસ માટે પીએમ ઇ- બસ યોજના હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકાને 100 ઇ- બસ મળવાની છે. આ બસો શહેરના સેક્ટરો, ટીપી વિસ્તારોમાં દોડશે અને ખાસ કરીને મેટ્રો સ્ટેશનને કનેક્ટીવિટી આપશે. ગાંધીનગરમાં પ્રથમવાર આ પ્રકારનું લોકલ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક ઉભું થશે જેનો ફાયદો દરેક વિસ્તારના લોકોને મળશે.
કુડાસણ તળાવ (માર્ચ 2026)
સ્થિતિ: 18 કરોડના ખર્ચે કુડાસણ તળાવ વિકસાવવાનું કામ હાલ અંતિમ તબક્કામાં છે.
ઇનસાઇટ: કુડાસણ તળાવ અત્યારસુધીનું સૌથી મોટું તળાવ બનશે, અંદાજે 25 હજાર ચોરસમીટર વિસ્તારમાં તળાવની સાથે ગાર્ડન, લેન્ડ સ્કેપીંગ, બાળકો માટે ક્રિડાંગણ, ગજેબો સહિતની સુવિધા બનાવાઇ રહી છે. આ સ્થળ શહેરનું આકર્ષક પર્યટન સ્થળ બનશે.
સેક્ટર-25 ગાર્ડન ( ઓક્ટોબર 2026)
સ્થિતિ: કામ શરૂ કરી દેવાયું છે, જે ઓક્ટોબરમાં પૂર્ણ કરી લોકાર્પણ કરાય તેવી શક્યતા છે. આ ગાર્ડન પાછળ 2 કરોડનો ખર્ચ થશે.
ઇનસાઇટ: સમગ્ર સેક્ટર અને આપાસના વિસ્તારના લોકોને ઘરની નજીકમાં જ શાંતિપૂર્ણ વાતાવરણ માણવાનું સ્થળ મળશે. મહાનગરપાલિકા દ્વારા તમામ સેક્ટરોના ગાર્ડન રીડેવલપ કરવાના પ્રોજેક્ટમાં અંતિમ તબક્કામાં સેક્ટર-25ને આવરી લેવાયું છે.
ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનની ક્ષમતા બમણી થશે
સ્થિતિ: હાલ 6 ટ્રેનોનું સંચાલન થાય છે, આગામી સમયમાં લાંબા અંતરની 10થી 12 ટ્રેન દોડાવવાની જાહેરાત થઇ છે.
ઇનસાઇટ: ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનની દૈનિક મુસાફર ક્ષમતા વધારીને 2.30 લાખ જેટલી થશે, રેલવે વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. હાલની ટ્રેનની સંખ્યા પણ વધીને 10થી 12 ટ્રેનની થશે.
સફાઇ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટઃ સેક્ટર-30 ડમ્પીંગ સાઇટ કચરાના ઢગલાથી મુક્ત થશે
સ્થિતિ: 4 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરી દેવાયો છે, માર્ચ સુધીમાં સંપૂર્ણ કચરાના ઢગ દૂર થશે.
ઇનસાઇટ: ડમ્પિંગ સાઇટ સે-30માં આવેલી છે. મહાપાલિકા દ્વારા બાયોમાઇનિંગ પદ્ધતિથી કચરાનો નિકાલ શરૂ કરાયો છે. માર્ચ સુધીમાં વધુ 2.50 લાખ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરાશે.
રોડ- બ્રિજ ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ભાટ કેબલ સ્ટેડ બ્રિજ(જાન્યુઆરી 2026)
સ્થિતિ: 5 વર્ષથી ચાલતા કામના અંતે હવે જાન્યુઆરીમાં લોકાર્પણની શક્યતા.
વિગત: ગાંધીનગર- એરપોર્ટ રોડને જોડતો અને એસપી રિંગ રોડ સાથે જંક્શન બનાવતો આ હાઇવે પરનો પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજ બનવાથી ગાંધીનગર- એરપોર્ટ અને અમદાવાદના અન્ય વિસ્તારો સુધી પહોંચવામાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે. આ રોડ પરથી દરરોજ 1.62 લાખ વાહનો પસાર થાય છે. કુલ 130 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે.

