પીડિતાની જુબાની અને પંચનામાના આધારે આરોપી દોષિત સાબીત
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામા આવેલા એક ગામમાં બનેલી નાબાલિક કિશોરી સાથેની દુષ્કર્મની ઘટનામાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. યુવક દ્વારા લગ્નની લાલચ આપી સગીરા કિશોરી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવતો હતો. સગીરા કિશોરી સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આરોપી રાહુલજી વિક્રમજી ઠાકોરને સ્પેશ્યલ પોસ્કો કોર્ટ, મહેસાણાના ન્યાયાધીશ એમ.એફ.ખત્રી દ્વારા આરોપીને સજા રૂપે ખૂબ જ ઐતિહાસિક ચુકાદો આપતા 20 વર્ષની સખત કેદની સજા ફટકારવાની સાથે રૂ. 44 હજારનો દંડ ફટકાર્યો છે. જેમાં આરોપી રાહુલજી ઠાકોરે સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું.
કિશોરી સાથે થયેલા દુષ્કર્મ બાદ તેની માતાએ ફરિયાદ નોંધવી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રાહુલજી ઠાકોર નામનો યુવક તેમની દીકરીને લગ્નની લાલચ આપી ગત તારીખ 27 એપ્રિલ 2025ના રોજ સગીરાને ભગાડી ગયો હતો. જેમાં સગીરાને લલચાવી ફોસલાવીને બાઈક પર બેસાડી વિજાપુર અને મહુડી રોડ બાજુ લઈ જવામાં આવી હતી. ત્યાર બાદ આ યુવક સગીરા કિશોરીને રાધુપુરા શાળાના ધાબા પર લઈ હયો હતો જ્યાં તેની ઈચ્છા વિરુદ્ધ કિશોરી સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ યુવક રાહુલજી ઠાકોર ઈડર અને કાંઠાગામે સગીરા કોશોરીને લઈ ગયો હતો અને ત્યાં પણ કિશોરી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો.
ભોગ બનનાર કિશોરીની જુબાની અને પંચનામાના આધારે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જે કેસમાં સરકારી વકીલ પરેશકુમાર કે.દવેની ધારદાર દલીલો રજૂ કરતાં કોર્ટ દ્વારા 12 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ તેની સાથે એફ.એસ.એલ રિપોર્ટ સહિતના સીસીટીવી ફૂટેજ જેવા ટેકનિકલ આધાર પુરાવાઓ રજૂ કરવામાં આવતા દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીની જુબાની અને પંચનામાના આધારે રાહુલજી ઠાકોર નામના યુવક પર ગુનો સાબિત થઇ જતાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રાહુલજી વિક્રમજી ઠાકોરને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તે સિવાય કુલ રૂ 44 હજાર નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનેલ કિશોરીને વળતર પેટે રૂ.3 લાખ ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કરતાં સમગ્ર ચુકાદો સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે દ્વારા આપવામાં આવ્યો છે.

