હાય રે મનપા હાય અને ભ્રષ્ટાચાર બંદ કરોના નારા લાગ્યા
આઇકોનિક રોડના વિરોધમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો
મહેસાણા શહેરના વિસનગર લિંક રોડ ઉપર આવેલ બિલાડી બાગથી લઈને છેક માનવ આશ્રમ સુધીની દુકાનોના દુકાનદારો, વેપારીઓ તથા સોસાયટીઓના રહીશો દ્વારા મહાનગરપાલિકાના તઘલખી નિર્ણયના વિરોધમાં હાય રે મનપા હાય હાય અને આઇકોનિક રોડના નામે ભ્રષ્ટાચાર બંદ કરોના નારા સાથે એક રેલી યોજી મનપા કમિશ્નર રવિન્દ્ર ખટાલેને આવેદન આપવામાં આવ્યું હતું.
ત્યારે મહેસાણાના વિસનગર લિંક રોડ એ બિલાડી બાગથી માનવ આશ્રમ અને માનવ આશ્રમ થી વિસનગરને જોડતો રોડ છે. જેમાં બિલાડી બાગથી લઈને માનવ આશ્રમ રોડ સુધી ઘણી બધી દુકાનો તથા સોસાયટીઓ આવેલી છે. દુકાનોના દુકાનદારો, વેપારીઓ તથા સોસાયટીઓના રહીસો દ્વારા જે પ્રમાણે મનપાના સત્તાધીશો દ્વારા આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યો છે તેના કારણે 12 મીટરનો પહોળો રસ્તો તોડીને માત્ર 7 મીટર જેટલો કરી દેવામાં આવ્યો છે એ સિવાય દુકાણદારોની દુકાન આગળ જ દીવાલ ચણી દઈ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવતા વેપારીઓ અને ધંધા રોજગાર કેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
મહત્વની વાત એ છે કે આ રોડ પર ઉત્તર ગુજરાતની વીજ કંપનીનું મુખ્ય કાર્યાલય આવેલું છે, ધોરણ ૧ થી ૧૦ ની ઘણી બધી સ્કૂલો, હોસ્પિટલો, મેડીકલ સ્ટોર્સ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો, મોટા મોટા કોમ્પ્લેક્ષ, પરીક્ષા કેન્દ્ર જેમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ થાય છે તેના કેન્દ્રો પણ આવેલા છે. તથા ઘણી બધી સોસાયટીઓ આવેલ છે જેમાં મહેસાણા શહેરના શાંતિપ્રિય રહીશો સાથે મોટાભાગના સરકારી કર્મચારીઓ પણ રહે છે. આઇકોનીક રોડના નામે રાધનપુર રોડનો વિકાસ કર્યો, ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રાધનપુર રોડ પહોળો કર્યો તેવી જ રીતે મોઢેરા રોડ પહોળો કર્યો, તો શા માટે વિસનગર લીંક રોડને ૧૨ મીટરમાંથી ૭ મીટર ટૂંકો કર્યો?? તેવા સવાલો પણ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.
આઇકોનિક રોડના કારણે દુકાનોની આગળ ઉંચી દીવાલો કરવાના કારણે આ વિસ્તારના બિલાડી બાગથી લઈને માનવ આશ્રમ સુધીની દુકાનોનાદુકાનદારો તથા વેપારીઓની દુકાનો ઢંકાઈ ગઈ છે જેથી સોસાયટીના રહીશોને દુકાનોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા જવામાં તકલીફો અને અગવડતા પડે છે અને તેના કારણે જેતે દુકાનો સુધી કોઈ ખરીદી કરવા આવી શકતું નહોઈ વેપાર ધંધા પડી ભાગ્યા છે. તે ઉપરાંત અગાઉ રોડની વચ્ચે આવેલ ડિવાઈડરની વચ્ચે રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટે જે ગેપ મુકવામાં આવેલ હતી તે ગેપ પણ હવે બંધ કરી દેવામાં આવી છે જેથી દુકાનો સુધી ગ્રાહકો પહોચી શકતા નથી. જેના કારણે સ્થાનિક વેપારીઓના વેપાર ધંધા પડી ભાગ્યા છે. અને આવનાર દિવસોમાં આ વિસ્તારના ૩૦ હજાર રહેવાસીઓને અકસ્માતનો ભોગ બનવાનો ભય રહેશે તેવું કાર્ય મહેસાણા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.
મનપાના માનસિક ત્રાસથી કંટાળેલા શહેરીજનોએ હવે તો એટલા સુધી કહી દીધું છે કે આજની તારીખથી જો આ રોડ પર કોઇ અકસ્માત સર્જાશે તેની સંપૂર્ણ જવાબદારી મહેસાણા મહાનગરપાલિકાની રહેશે. આઇકોનિક રોડ બનાવવાના ચક્કરમાં રોડ પહોળા કરવાના બદલે ટૂંકો કરવા પાછળ તથા રોડની વચ્ચે આવેલ ડિવાઈડરની વચ્ચે રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટે અગાઉ મુકવામાં આવેલ ગેપ બંધ કરવા પાછળ અને દુકાનોની આગળ દીવાલો અને અડચણ ઉભી કરવા પાછળ આ રોડની માઇનોરીટી પ્રજા, ઓબીસી પ્રજા અને નાની મોટી કોમોને જે આ વિસ્તારમાં રહે છે તેમના માટે આઇકોનીક રોડના નામે ભય ઉભો કર્યો છે.
પ્રજાના જાહેર હિતમાં યોગ્ય પગલાં ભરી બિલાડી બાગથી લઈને માનવ આશ્રમ સુધીની દુકાનોના દુકાનદારો, વેપારીઓ તથા સોસાયટીઓના રહીશોની કાયમી અગવડતા તથા ભય દુર કરવા અને દુકાનોની આગળથી દીવાલો અને અડચણ દુર કરી રોડના ડિવાઈડર વચ્ચે રોડ ક્રોસકરવા સરખા અંતરે ગેપ રાખી કાયમી અગવડતા તથા અકસ્માતનો ભય દુર કરવામાં આવે તેવી મહેસાણા શહેરના વિસનગર લિંક રોડ ઉપર આવેલ બિલાડી બાગથી લઈને માનવ આશ્રમ સુધીની દુકાનોના દુકાનદારો, વેપારીઓ તથા સોસાયટીઓના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.


