જથ્થો સિધ્ધપુરના વેપારીને ત્યાં ઉતારવાનો હોવાનું ચાલકે જણાવ્યું
સરસ્વતી તાલુકાના મોરપા ગામની સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબ લાભાર્થીઓને વિતરણ કરાતા ચોખાનો જથ્થો પીકપ ડાલામાં સિદ્ધપુર બાજુ લઈ જતાં ગામના સરપંચ સહિત ગ્રામજનોએ ૮ કિમી સુધી પીછો કરી વડુ -શિયોલ રોડ પર થી રંગે હાથ ઝડપી પાડયો હતો.
આ ઘટનાને પગલે સરસ્વતી મામલતદાર એસ.પી બોડાણા અને નાયબ મામલતદાર મિતાબેન પટેલ ઘટનાસ્થળે પહોંચી ૫૦ ચોખાના કટ્ટા, ૨ દાળ,૨ ચણા મળી કુલ ૫૪ કટ્ટા જપ્ત કરી પુરવઠા વિભાગમાં મોકલી વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.સરસ્વતી તાલુકાના મોરપા ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનનાંસંચાલક દ્વારા ગરીબ લાભાર્થીઓ માટે સરકાર દ્વારા ફાળવાતો અનાજનો પુરવઠો બારોબાર વેપારીઓને કાળાબજારમાં વેચી ગરીબોનો કોળીયો છીનવી લેવાતો હોવાની બુમરાણ ઉઠતાં આ બાબતે ગામના સરપંચ કમશીભાઈ રબારી અને ગ્રામજનો દ્વારા વોચ ગોઠવી હતી. શનિવારે સાંજના ૭-૩૦ કલાકે પીકપડાલામાં મોરપાની સસ્તા અનાજની દુકાન પરથી ચોખાના ૫૦ કટ્ટા, ૨ દાળ કટ્ટા અને ૨ ચણા કટ્ટા મળી કુલ ૫૪ કટ્ટા બારોબાર વેચાણ અર્થે લઈ જવાતા હોવાની મળેલી બાતમીના આધારે ગામના સરપંચ કમશીભાઈ રબારી તેમજ સાથી પૂર્વ સરપંચ મગનભાઈ રબારી અને ગ્રામજનોએ આ પીકપ ડાલાનો ૮ કિલો મીટર પીછો કરી સિદ્ધપુર જવાના રોડ પર શિયોલ-વડુ ગામ પાસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
ગામના સરપંચે સરસ્વતી મામલતદારને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે સરસ્વતી મામલતદારે સસ્તા અનાજની દુકાનના સંચાલક દલાભાઈ રબારી તેમના દિકરા વિજેશભાઈ રબારી અને સિદ્ધપુરના શ્રીમાળી અજીતભાઈ સાથે પીકપ ડાલાના ચાલક રાવત મુકેશભાઈ સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મોરપાના શ્રી મોરપા સેવા સહકારી મંડળી સંચાલક દલાભાઈ વાશીભાઈ રબારી ના ઘરેથી દિકરા વિજેશભાઈ રબારીએ પીકપ ડાલાના ચાલકના મોબાઈલમાં કોલ કરી મોરપા ગામે બોલાવી શનિવારે રાત્રે ૭-૩૦ કલાકે ડાલા( જીજે.૨૭ એકસ ૫૩૯૦) માં ૫૦ કટ્ટા ચોખા, ૨ દાળ અને ૨ ચણા મળી કુલ ૫૪ કટ્ટા ભરાવી રૂ.૬૫ હજાર રોકડા લઈ સિદ્ધપુરમાં શ્રીમાળી અજીતભાઈના ત્યાં પહોંચાડવાનો હતો તેવું ડાલા ચાલક મુકેશ ભાઈ રાવતે પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

