રાજ્ય સરકારની કોરોના વેક્સિનેશનની સંપૂર્ણ તૈયારી પૂર્ણ, કેન્દ્ર સરકારની જાહેરાત સાથે જ વેક્સિન આપવાનું શરૂ થઈ જશે

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારીને નાથવા માટે કોવેક્સિન અને કોવિશીલ્ડને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી મળી ગઈ છે. આ સાથે દેશમાં વેક્સિનેશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગુજરાતે પણ વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ અંગેની જાહેરાત આજે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત કોવિડ-19 કોરોના સામેના વેક્સિનેશન અંગે સંપૂર્ણ સજ્જ છે. હવે ટૂંક સમયમાં જ આ મેડ ઇન ઇન્ડિયા વેક્સિન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે. ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. કોલ્ડચેઇન બની ગઈ છે, સર્વેક્ષણ કામગીરી થઈ ગઈ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ કર્મીઓને અપાઇ ગઈ છે. ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તરત જ ગુજરાતમાં પણ વેક્સિનેશનની કામગીરી રાજ્ય સરકાર શરૂ કરી દેવા સુસજ્જ છે.

આ વેક્સિનેશન સેન્ટરમાં સેનિટાઇઝેશનની વ્યવસ્થા હશે. સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રખાશે. એક સમયે રૂમમાં એક જ વ્યક્તિને હાજર રાખીને ડોઝ અપાશે. વેકિસનેશન સેન્ટર પર 5 લોકોની સ્પેશિયલ ટીમ તહેનાત રહેશે, જેમાં એક મુખ્ય મેમ્બર હશે, જેની દેખરેખમાં બીજા 4 લોકોની ટીમ હશે. એમાં એક પોલીસકર્મી હશે. એક નર્સ હશે. એક હેલ્થ વર્કર હશે. એક વેક્સિનેટર હશે. મોટા ભાગે ફિમેલ વેક્સિનેટર રાખવામાં આવશે.

કોરોનાની રસી લેવા માટે ડોર ટુ ડોર સર્વેમાં થયેલા રજિસ્ટ્રેશનના આધારે પ્રવેશ અપાશે, જેમાં તમારે તમારું આધારકાર્ડ કે રજિસ્ટ્રેશન સમયે જે પુરાવો આપ્યો હોય એ સાથે રાખવાનો રહેશે. સેન્ટરમાં પ્રવેશતી વખતે તમને પહેલાં સેનિટાઈઝ કરવામાં આવશે. કોરોનાની વેક્સિન લીધા બાદ લાભાર્થીનું સ્પેશિયલ કાઉન્સેલિંગ કરવામાં આવશે, જેમાં તેને કોરોના અંગે ખાસ જાણકારી અપાશે. રસી લીધા બાદ કોઈ તકલીફ થાય તો શું કરવું એ અંગે જાણકારી અપાશે. એક ડોઝ પછી રસીના બીજા ડોઝ માટેની જાણકારી અપાશે અને કોવિડની ગાઈડલાઈન્સના પાલન અંગે માહિતી અપાશે.

વિવિધ જિલ્લા અને તાલુકાસ્તરે ચૂંટણીની પ્રક્રિયાની જેમ જ સ્કૂલોમાં, પંચાયતની કચેરીઓમાં, મનપાની કચેરીઓમાં, કમ્યુનિટી હોલમાં કોવિડના વેક્સિનેશન માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અને CM ડેશ બોર્ડ પર તમામ લાભાર્થીઓનું અપડેટ રાખવામાં આવશે.

કોરોનાની રસીકરણના મહાઅભિયાનમાં લોકોને રસી આપવા માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા 15 હજારથી વધારે ક્વોલિફાઈડ વેક્સિનેટરની ફોજ તૈયાર કરી દેવામાં આવી છે. કેવી રીતે આપવી એ અંગે સ્પેશિયલ ટ્રેનિંગ પણ અપાઈ છે.

કોરોનાની રસી લીધા બાદ કોઈને આડઅસર થાય તો એના માટે તેને પોતાના વિસ્તારના હેલ્થકેર વર્કરનો મોબાઈલ નંબર આપવામાં આવશે. મેડિકલ ઓફિસરનો પણ નંબર આપવામાં આવશે. તેના નંબર પર કોલ કરીને તમે તમારી તકલીફ જણાવશો તો ટીમ તમારો સંપર્ક કરશે. જરૂર જણાશે તો સરકારી ખર્ચે તમારી સંપૂર્ણ સારવાર કરવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે કોઈપણ રસીની સામાન્ય આડઅસર થતી હોય છે, પણ એ ખૂબ જ સામાન્ય બાબત છે. એનાથી કોઈએ ડરવાની જરૂર નથી. આ રીતે બેકઅપ પ્લાન પણ સરકારે તૈયાર કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.