દિવસ 10 કલાક 50 મિનીટ અને 44 સેકન્ડનો, રાત 13 કલાક 10 મિનટ અને 14 સેકન્ડની જોવા મળશે
૨૨ ડિસેમ્બરથી દિવસ મોટો થવા લાગશે અને સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરશે
વર્ષ 2025 નું વિદાય લઇ રહ્યું છે ત્યારે જેમાં આજે 21 ડિસેમ્બરે એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના સર્જાય છે. આ દિવસને “શિયાળો અયનાંત” (Winter Solstice) તરીકે ઓળખવામાં આવે છે અને તેને વર્ષનો સૌથી ટૂંકો દિવસ ગણવામાં આવે છે. પૃથ્વી પોતાની ધરી પર આશરે 23.5 ડિગ્રી ઝુકેલી હોવાથી વર્ષ દરમિયાન સૂર્યકિરણો અલગ-અલગ વિસ્તારો પર અલગ ખૂણેથી પડે છે. 21 ડિસેમ્બરે સૂર્ય દક્ષિણ ગોળાર્ધ તરફ સૌથી વધુ ઝુકેલો હોય છે, જેના કારણે ઉત્તર ગોળાર્ધમાં દિવસનો સમય સૌથી ઓછો રહે છે અને રાત્રિ સૌથી લાંબી બને છે.
ભારત સહિત ઉત્તર ગોળાર્ધના દેશોમાં આ દિવસે સૂર્યોદય મોડો થાય છે અને સૂર્યાસ્ત વહેલો થાય છે. પરિણામે દિવસના કલાકો ઘટી જાય છે તેની વચ્ચે ઠંડીનો પ્રભાવ જોવા મળતો હોય છે વહેલી સવારે ધુમ્મસ, ઠંડા પવન અને તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન શિયાળાની ઠંડી વધુ અસરકારક બનતી હોય છે. ખેતીના દૃષ્ટિકોણથી પણ 21 ડિસેમ્બરનું મહત્વ વિશેષ છે. રવિ પાકો જેમ કે બટાટ ઘઉં, જીરુ, રાયડો રાજગરો અને ચણા પાકો માટે આ ઠંડુ હવામાન લાભદાયી માનવામાં આવે છે. ઠંડીના કારણે પાકોના વિકાસમાં મદદ મળે છે અને જીવાતનો પ્રકોપ ઓછો રહે છે.આ દિવસનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ રહેલું છે. અનેક પરંપરાઓમાં પ્રકૃતિના સંતુલન અને નવા ચક્રની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે. 21 ડિસેમ્બર બાદ દિવસો ધીમે ધીમે લાંબા થવા લાગે છે, જેને ઉત્તરાયણ તરફની પ્રગતિ તરીકે જોવામાં આવે છે.આ રીતે 21 ડિસેમ્બર માત્ર એક ખગોળીય ઘટના નહીં પરંતુ પ્રકૃતિ, હવામાન, ખેતી અને માનવ જીવન સાથે સંકળાયેલો મહત્વપૂર્ણ દિવસ ગણાય છે.
૨૨ ડીસેમ્બરથી દિવસનો સમય વધતો જાય છે
નિષ્ણાતો અનુસાર હકીકતમાં સૂર્યની ઉત્તરાયણની ગતિ 22 ડિસેમ્બરથી જવાની શરૂ થશે. દિવસનો સમય ઘટશે અને રાત્રીનો સમય વધવાનો ક્રમ ૨૨ ડિસેમ્બરથી બદલાવવા લાગશે. રાત્રી ટૂંકી થતી જશે. અને દિવસનો સમય વધતો જશે. દિવસ ઘટવાનો અને રાત્રી વધવાની સાથે સૂર્યદેવનું ઉત્તરાયણમાં પ્રવેશ શરૂ થઈ જશે.
વધતી જતી ગ્લોબલ વોર્મિંગની અસરને લઈ ઋતુચક્રમાં પણ ફેરફાર થવા લાગ્યો
ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી નો અનુભવ થતો હોય છે. પરંતુ વધતી જતી ગ્લોબલ વોર્મિંગની અસરોને લઈ અત્યારે સામાન્ય ઠંડી જોવા મળી રહી છે. જેથી ઋતુચક્રમાં પણ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે.

