થરાદ શાકમાર્કેટમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ

થરાદ શાકમાર્કેટમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ

વેપારીઓ નારાજ, કાયમી જગ્યા ફાળવવા સરકારને અપીલ

થરાદ નગરપાલિકા દ્વારા શહેરમાં આજથી દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી પહેલાં શાક માર્કેટ ખાતે વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. વેપારીઓએ ગતરોજ તેમણે સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા હોવા છતાંય દબાણ બાબતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યો હતો.  થરાદ શાકભાજી એસોસિએશનના પ્રમુખ બરકતભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં જ્યાં શાક માર્કેટ ચાલી રહ્યું છે, તે જગ્યા સરકારે ફાળવેલી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ જ સ્થળે વેપાર કરી રહ્યા છે. બરકતભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, “અમે 2010 થી અહીં વેપાર કરીએ છીએ. તે સમયે આ જગ્યા જંગલ જેવી હતી. છેલ્લા 15 વર્ષની અમારી મહેનતથી અમે આ જગ્યાને વિકસાવી છે. હવે આ જગ્યા કોઈના માટે અડચણરૂપ નથી.”

ટ્રાફિકની સમસ્યા અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, જો સરકારને વાહનોની અવરજવર માટે પૂરતી જગ્યા ન હોવાનું લાગતું હોય, તો વેપારીઓ સ્વેચ્છાએ જગ્યા ગોઠવીને બે ગાડીઓ આસાનીથી પસાર થઈ શકે તેટલી જગ્યા કરી આપવા તૈયાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમને શાક માર્કેટ ખાલી કરવા માટે કોઈએ કહ્યું નથી. વેપારીઓએ બજારના મુખ્ય ટ્રાફિક અને દબાણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કાયદેસર દબાણ બજારની અંદર છે, જ્યાં શોપિંગ કોમ્પ્લેક્સના માલિકોએ પાર્કિંગની જગ્યા રાખી નથી. શાક માર્કેટ જ્યાં આવેલું છે તે જાહેર રોડ નથી, પરંતુ એક શેરી રોડ છે, જ્યારે મુખ્ય ટ્રાફિક બજારમાં જ છે. થરાદ શાકભાજી એસોસિએશને સરકારને અપીલ કરી છે કે તેમના વર્ષો જૂના પ્રશ્નને ધ્યાનમાં લેવામાં આવે અને હાલના શાક માર્કેટની જગ્યા કાયમી ધોરણે ફાળવી આપવામાં આવે. વેપારીઓએ જણાવ્યું કે તેઓ 500 જેટલી લારીઓ-દુકાનો દ્વારા શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. જો તેઓ સરકારના નિયમ મુજબ દબાણમાં હશે, તો સ્વેચ્છાએ હટાવી લેશે, પરંતુ તેમને વારંવાર હેરાન કરવામાં ન આવે અને નિયમ મુજબ દુકાનો ફાળવવામાં આવે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *