શા માટે કોઈ કર્મચારીઓ સર્જનને ગાંઠતા જ નથી ?
મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બનેલા સિવિલ હોસ્પિટલના કર્મચારી કવાર્ટરના મામલે હવે સિવિલ સર્જન અને કર્મચારીઓ આમને સામને થવાના આરે આવીને ઊભા છે. એક તરફ સિવિલ સર્જન ગોપીબેન પટેલ દ્વારા થોડા મહિના અગાઉ ડોક્ટર ક્વાર્ટર્સ જર્જરિત હોવાને કારણે ડિમોલેશન કરવાને લઈને ક્વાર્ટર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી પરંતુ ડોક્ટર્સ કવાર્ટર આજ દિન સુધી ખાલી કરવામાં આવ્યા નથી.આશ્ચર્યની વાત તો એ છે કે એક મહિનાની નોટિસ મેળવ્યા બાદ પણ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓના પેટનું પાણી પણ હલ્યું નથી. ત્યારે સિવિલમાં ફરજ બજાવતા કર્મચારીઓ જાણે કે પોતાનું ધાર્યું કરતા હોય તેમ સિવિલ સર્જનની નોટીસની ઐસી કી તૈસી સમજીને ક્વાર્ટર ખાલી કરવાનું નામ નથી લઈ રહ્યાં.
જર્જરિત અવસ્થામાં આવી ગયેલા અને પુનઃનિર્માની માટે મંજુર થયેલા ક્વાર્ટર્સ ખાલી કરવાની નોટિસની સમય મર્યાદા એક મહિનાની આપવામાં આવી હતી છતાં પણ નોટિસ આપ્યાને લગભગ ૨ કે ૩ મહિના જેટલો સમય ગાળો પસાર થઈ ગયો છે ને હજુ સુધી કર્મચારીઓ ક્વાર્ટર માં ભોગવટો કરી રહ્યા છે. આ જોતા તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જર્જરિત ક્વાર્ટર્સમાં જો કોઈ મોટી દુર્ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ??અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આ કર્મચારીઓના ખાનગી સોસાયટીઓમાં પોતાના મકાન હોવા છતાં પણ તે મકાનો ભાડે આપીને ક્વાર્ટરમાં ભોગવટો કરે છે. અને ખંડિત હાલતમાં આવેલા ક્વાર્ટરને ખાલી કરવામાં તેમને કોઈ રસ જ ના હોય તે રીતે જર્જરિત એવા સિવિલ ક્વાર્ટરમાં અડિંગો જમાવીને બેઠા છે.
સિવિલના ક્વાર્ટર કોના માટે બનાવ્યા છે?
સિવિલ હોસ્પિટલના ક્વાર્ટર્સનો પ્રશ્ન પહેલા પણ વિવાદમાં રહ્યો છે જેમાં સરકારી ધારા ધોરણ મુજબ સરકારી ક્વાર્ટર્સ સરકારી કર્મચારીને જ ફાળવવામાં આવે છે છતાં પણ કેટલાય વર્ષોથી સરકારી ક્વાર્ટર્સમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વસવાટ કરી રહ્યા છે. સામાન્ય હોદ્દા ધરાવતા પ્લમ્બર જેવા વ્યક્તિઓને પણ કોના કહેવાથી ક્વાર્ટર્સની ફાળવણી કરવામાં આવી છે તે પણ ચર્ચાનો વિષય રહ્યો છે. સરકારી કર્મચારીના ભથ્થામાંથી સરકારી ધારા ધોરણ મુજબ ક્વાર્ટર્સનું ભાડું કાપવામાં આવે છે તેની સામે કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓનું ભાડું કેટલું કપાય છે અને કયા ધારા ધોરણ મુજબ કપાય છે તે જોવાનું રહ્યું.વગ ધરાવતા સરકારી અધિકારીની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મફતમાં ક્વાર્ટર ફાળવાયા હોય તેવું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું.
સિવિલ સર્જન કરતા તો વધુ કોઈ રાજકીય વગ ધરાવી સિવિલમાં એક હથ્થુ શાસન ચલાવતા લોકોની પણ દાદાગીરી ઉડીને આંખે વળગે તેવી છે તેમ છતાં પણ સિવિલ સર્જન કે સરકારી તંત્રના અધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા હોય તેમ જોઈ શકાય છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ભાજપના શાસનમાં શું સિવિલ સર્જનની પણ કોઈ વેલ્યુ કે કિંમત નહીં હોય ? આવા રાજકીય વગના નામે નક્કર દાદાગીરી અને એક હથ્થુ શાસન ચલાવનારા અને બેફામ બનેલા અસામાજિક તત્વોને સરકાર દ્વારા સસ્પેન્ડ કરી બહારનો રસ્તો બતાવી દેવો જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

