આરોપીઓ દોઢ માસથી પોલીસ પક્કડથી દૂર
ડીસાના ચકચારી માલગઢ ગામના પૂર્વ સરપંચના આત્મહત્યા કેસ મામલામાં ડીસા તાલુકા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ આધારે પૂર્વ સરપંચના મોત માટે દુષ્પ્રેરણ પુરૂ પાડનાર એક મહીલા સહીત આઠ શખ્સો વિરૂધ્ધમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જે પૈકીના મુખ્ય આરોપીઓમાં એક મહીલા સહીત 3 આરોપીઓએ ડીસા સેશન્સ કોર્ટમાં ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. કોર્ટે આ કેસમાં વધુ એક મહીલા સહીત મુખ્ય 3 આરોપીઓના આગોતરા જામીન અરજી રદ કરી હતી.
આ ચકચારી કેસમાં મૃતક કુંદનલાલ પુનમાજી કચ્છવા (માળી) નો ૧૧ મીનીટ ૮ સેંકન્ડનો વિડીયો સૌથી મહત્વનો પૂરાવો બન્યો છે. જેમાં મરતાં પહેલા મૃતક કુંદનલાલ કચ્છવા દ્વારા સોશિયલ મીડીયામાં પોતાને ત્રાસ આપનાર અને મોત માટે દુષ્પ્રેરણ પુરૂ પાડનારા આરોપીઓની ગુનામાં ભાગીદારીનું વર્ણન વિડીયો સ્વરૂપે ક્લિપ બનાવી સોશિયલ મીડીયામાં આપવામાં આવ્યું હતું. આ નિવેદન બાદ તેઓએ પોતાની રીવોલ્વર લમણે મૂકી ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ મામલે ફરિયાદ પક્ષના વકીલ દિલીપભાઇ તિવારીએ જણાવ્યું હતું કે, ડીસાના છઠ્ઠા એડીશનલ જજની કોર્ટમાં આ કામના વધુ એક મહીલા સહીત મુખ્ય 3 આરોપીઓ ડીસાના ઉદ્યોગપતિ દેવીન ઉર્ફે ડો. સુરેશ લચ્છાજી પઢિયાર, ધીરેનકુમાર દેવીનભાઇ પઢિયાર અને મીનાક્ષીબેન ધીરેનકુમાર પઢિયાર દ્વારા આ કેસમાં આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી. જ્યારે સુરેશભાઇ ઇશ્વરભાઇ સાંખલા (વકીલ), ધીરજકુમાર અમરતલાલ કચ્છવા (ડીસા), ત્રિકમલાલ બાબુજી ગેલોત, સુરેશકુમાર ભરતભાઇ સોલંકી અને પ્રકાશભાઇ બાબુલાલ ગેલોત (માલગઢ) પણ આ કેસમાં સંડોવાયેલા છે. જેમાં આરોપી પક્ષનો બચાવ હતો કે, તેઓને આગોતરા જામીન આપવામાં આવે. જોકે, કોર્ટમાં ફરિયાદી વતી જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
આ તમામ આરોપી વિરૂધ્ધમાં પ્રાથમિક તપાસમાં જ ચાર્જ પૂરતાં પૂરાવા પોલીસને મળી આવ્યા છે. સૌથી મહત્વનો પૂરાવો આત્મહત્યા કરતાં પહેલાં પૂર્વ સરપંચ એવા કુંદનલાલ કચ્છવાએ તેઓ કેમ આત્મહત્યા કરી રહ્યા છે ? કોણ દોષિત છે ? તેનો એક દસ્તાવેજી પૂરાવા સમાન વિડીયો બનાવ્યો હતો. જેમાં તમામ આરોપીઓની ભૂમિકા બાબતે તેઓએ વિગતે પ્રકાશ પાડ્યો છે. તે બાદ તેઓએ આત્મહત્યા કરી છે. જેથી કોર્ટે આ પ્રાથમિક પૂરાવાઓ આધારે વધુ એક મહીલા સહીત મુખ્ય 3 આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરી છે. જ્યારે એક મહીલા સહીત 8 આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. આ ચકચારી કેસમાં ડીસા તાલુકા પોલીસની ટીમ તાત્કાલીક ફરાર એક મહીલા સહીત 8 આરોપીઓને ઝડપી પાડે તેવી પરિવારજનોની માંગ છે.

